રાજકોટમાં 270 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની 275 જગ્યા ખાલી

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડતી જગ્યાઓ ભરવાનો અધિકાર સરકારે શાળા સંચાલકો પાસેથી લઈ લીધો છે. શાળા સંચાલકો પોતાની રીતે સીધી ભરતી કરી શકતા નથી અને સરકારમાં ઘણાં સમયથી ભરતી બંધ હોવાથી તેની સીધી વિપરીત અસર શિક્ષણની ગુણવત્તા પર પડી રહી છે.
રાજકોટ શહેર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ સુશીલાબેન શેઠ, પ્રમુખ ગોવિંદભાઈ ખુંટ અને મહામંત્રી જે.કે.માંકડીયાએ આ અંગે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ, શિક્ષણ વિભાગના કેબીનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન નાનુભાઈ વાનાણીને મોકલેલા આવેદન પત્રમાં જણાવાયા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા 278 છે તે પૈકી 270 શાળામાં 40 માધ્યમિક શિક્ષકોની અને 150 ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ઘટ છે. 85 શાળાઓ એવી છે કે, જેમાં લાંબા સમયથી તેમાં આચાર્ય નથી.
સન 2009થી એટલે કે, છેલ્લા છ વર્ષથી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ભરતી થયેલ નથી તો બીજી તરફ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની નવી નવી શાળાઓને ધડાધડ મંજુરી અપાઈ રહી છે. જયાં મંજુરી આપવામાં આવે છે તેવા ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે શિક્ષકો તૈયાર થતા ન હોવાથી ભરતી માટે ભરાતા કેમ્પ અસરકારક નિવડતા નથી. ઘણી શાળાઓમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના વિષયોના શિક્ષકો ન હોવાથી બોર્ડની પરીક્ષાના પરિણામ નબળા આવે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની ગંભીર અસર પડે છે અને ખાસ કરીને ગામડાના ગરીબ વિદ્યાર્થીઓને ભારે નુકસાન થાય છે.
રાજકોટ શહેર શાળા સંચાલક મંડળના આગેવાનોના જણાવ્યા મુજબ એકબાજુ શિક્ષકોની ભરતી થતી નથી અને બીજી બાજુ શિક્ષકોના અભાવે નબળું પરિણામ આવે તો ગ્રાન્ટ કાપ્નું હથિયાર ઉગામીને સરકાર શાળાઓને વધુ નબળી પાડી રહી છે. ગ્રાન્ટ કાપ્ના કારણે શાળાનું સંચાલક મંડળ સંસ્થાના ખર્ચે થોડા સમય માટે પણ શિક્ષકો રાખી શકે તેમ નથી. શિક્ષણની ગુણવત્તાને થઈ રહેલી અસરના કારણે વિદ્યાર્થીઓની સાથોસાથ વાલીઓમાં પણ રોષની લાગણી ફેલાવા પામી છે.
જયારથી સરકારે શિક્ષકોની ભરતીની સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે ત્યારથી શાળાના આચર્યો અને શિક્ષકોની ઘણી જગ્યા ખાલી પડી છે.
અસહ્ય બની ગયેલી પરિસ્થિતિનો નિવેડો જો સરકાર તાત્કાલીક નહીં લાવે તો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકો રસ્તા પર આવી જઈ આંદોલન કરે તે દિવસો દુર નથી. નવા શૈક્ષણીક સત્ર પહેલા એટલે કે, જુન 2015 પહેલા રાજકોટ સહિત રાજ્યની તમામ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શૈક્ષણીક અને બીનશૈક્ષણીક સ્ટાફની ભરતી નહીં થાય તો શાળા સંચાલકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સિવાય કોઈ આરોવારો નહીં રહે.
મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાનને મોકલેલા આ આવેદનપત્રની નકલ આજે શાળા સંચાલકોએ કલેકટર તંત્રને પણ આપી હતી. આવેદનપત્ર આપતી વખતે સુશીલાબેન શેઠ, જે.કે.માકડીયા, કનુભાઈ માવાણી, પી.સી.ગોસ્વામી, ડો. શાંતિલાલ વિરડીયા, અમરસિંહ ચંદ્રાલા, યશવંતભાઈ જનાણી, આર.ટી.ધનકોટ, જગદીશભાઈ વેકરીયા, ગરાળા, જાગાભાઈ ખુંટ, ચંદુભાઈ બારશીયા સહિતનાઓ હાજર રહ્યા હતા. http://www.aajkaaldaily.com