દૂરદર્શનના ડીટીએચ દ્વારા આ ચેનલોનું પ્રસારણ થશે
મુખ્યમંત્રી ઉદ્‌ઘાટન કરશે: કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવા સમિતિની રચના
રાજ્યમાં બાયસેગના માધ્યમથી ચાલુ માસથી જ ૧૧ નવી શૈક્ષણિક ચેનલો શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે આ ચેનલોનું ઉદઘાટન કરવામાં આવશે. બાયસેગના માધ્યમથી સ્કૂલોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને બતાવવામાં આવનારા શિક્ષણ વિષય કાર્યક્રમોની રૂપરેખા તથા પસંદગી અને પ્રસારણ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ સાત સભ્યોની છે અને તેઓ કયા કયા કાર્યક્રમો બતાવવામાં આવશે તે નક્કી કરશે. આ અંગે જીસીઈઆરટી દ્વારા બેઠક યોજવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાયસેગ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમો બતાવવામાં આવતા હતા પરંતુ હવે ચેનલોની સંખ્યા વધતા વધુ માત્રામાં શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિષયો પર ડાયરેક્ટ ટુ હોમ સેવા મારફતે બાયસેગના માધ્યમથી નવી ૧૬ ચેનલો શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ચેનલો દૂરદર્શનની ડીટીએચ સેવા દ્વારા GSAT-8 ઉપગ્રહ મારફતે કરવામાં આવનાર છે. આ નવી ૧૬ ચેનલો પૈકી ૧૧ ચેનલો પર બાયસેગ મારફત શિક્ષણ વિષયક વિવિધ વિષયો પર કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમોના વિષય વસ્તુ અને તેના પ્રસારણ સમય નિયત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.આ કમિટી કાર્યક્રમોની રૂપરેખા, તેની પસંદગી અને પ્રસારણના સમય તેમજ વિષય વસ્તુની પસંદગી કરવા અંગે અને તેનું મોનિટરિંગ કરવા અંગેનું કામ કરશે. કમિટીમાં સાત જેટલા સભ્યો રહેશે, કમિટીના અધ્યક્ષ તરીકે કમિશનર ઓફ સ્કૂલની નિમણુંક કરવામાં આવી છે. સભ્યસચિવ તરીકે જીસીઈઆરટીના નિયામકની નિમણુંક કરાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મે માસમાં જ આ તમામ ચેનલોના પ્રસારણનું ઉદઘાટન કરવામાં આવનાર હોઈ કમિટીને ઉદઘાટન સમયે પ્રસારિત કરવામાં આવનારા કાર્યક્રમોની પસંદગીની કામગીરીમાં લગાડી દેવામાં આવી છે.કમિટી દ્વારા ઉદઘાટન સમય અગાઉ તેમજ ત્યારબાદના પ્રસારિત થનારા કાર્યક્રમોની પસંદગી અને બાયસેગના પરામર્શમાં પ્રસારણ સમય નિયત કરવાની કામગીરી કરવાની રહેશે. ઉપરાંત કાયમી ધોરણે કાર્યક્રમોના પ્રસારણનો સમય, જીવંત પ્રસારણ, રેકોર્ડેડ કાર્યક્રમની પસંદગી કરવી અને તેનો સમય નિયત કરવાનો રહેશે. કમિટીએ સમયાંતરે બેઠક યોજીને કાર્યક્રમની સમીક્ષા પણ કરવાની રહેશે. આ અંગે જીસીઈઆરટી દ્વારા બેઠકો યોજવાની તેમજ કાર્યક્રમના સંદર્ભમાં આનુષાંગિક કાર્યવાહી કરવાની રહેશે. કાર્યક્રમને લઈને મળતી બેઠક અંગેની નોંધ શિક્ષણ વિભાગમાં પણ રજૂ કરવાની રહેશે. આ મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પણ બહાર પાડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે, હાલમાં પણ બાયસેગ દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે. ઉપરાંત બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના માર્ગદર્શનથી લઈને અન્ય તાલીમ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો પણ બાયસેગના માધ્યમથી ફરજિયાત સ્કૂલોમાં બતાવવામાં આવતા હોય છે. હવે તો શૈક્ષણિક ૧૧ જેટલી ચેનલો શરૂ થયા બાદ અમુક ચેનલો પર જ રાજ્ય સરકારના કાર્યક્રમોનું પ્રસારણ થશે અને અન્ય ચેનલો પર શૈક્ષણિક કાર્યક્રમો ચાલુ રહેશે તેવી આશા બંધાઈ છે, જેનાથી છેવાડાની સ્કૂલોના વિદ્યાર્થીઓને લાભ મળે.