ચાલુ સત્રમાં સ્વૈચ્છિક નિવૃત્તિથી શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસર
નિયત નોટિસ સિવાય સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરાતી હોઈ તે યોગ્ય નથીઃ શિક્ષણ વિભાગ
પાછલી અસરથી સ્વૈચ્છિક નિવૃત્તિમાં નોટિસ પિરિયડની સુચનાનો ચુસ્ત અમલ કરવા તાકીદ
નવગુજરાત સમય > અમદાવાદ

-- રાજ્યની સ્કૂલોમાં શૈક્ષણિક કર્મચારીઓની ચાલુ સત્રમાં અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે. જેના લીધે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી પાછલી અસરથી સ્વૈચ્છિક નિવૃત્તિ માટે નોટિસ પિરિયડની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા માટે તાકીદ કરી છે. ખાસ કિસ્સામાં જ નોટિસ પિરિયડ જતો કરી સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂર કરવાની દરખાસ્તો સરકારને મોકલવા માટે તાકીદ કરાઈ છે. સંસ્થા દ્વારા સામાન્ય સંજોગોમાં પણ નિયત નોટિસ સિવાય સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવામાં આવતી હોઈ તે યોગ્ય ન હોવાનું પરિપત્રમાં જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શૈક્ષણિક કર્મચારીઓને પાછલી અસરથી સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવાની ઘણી દરખાસ્તો શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે. શૈક્ષણિક કર્મચારીઓની ચાલુ સત્રમાં અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ તથા શિક્ષણ કાર્યને ગંભીર અસર થાય છે. સંસ્થાના સંચાલક મંડળ દ્વારા સામાન્ય સંજોગોમાં નિયત મુદ્દતની નોટિસ સિવાય સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવામાં આવતી હોઈ તે શિક્ષણ માટે યોગ્ય ન હોઈ શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી સુચનાઓ આપી છે.

સંચાલક મંડળ દ્વારા નોટિસ સિવાય સ્વૈચ્છિક મંજૂરીના નિર્ણયના લીધે પાછલી અસરથી મંજૂરીના અને પેન્શનપાત્ર સેવા હોવા અંગેના પ્રમાણપત્ર મેળવવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને પેન્શન મંજૂરીમાં પણ વિલંબ થાય છે. પરિણામે બિનજરૂરી કોર્ટ કેસ ઊભા થતા હોય છે. જેને ધ્યાનમાં લેતા અનુદાનિત સ્કૂલ, કોલેજ, સંસ્થાઓને લાગુ પડતા નિયમોને આધીન જરૂરી વિચારણા કરી નોટિસ પિરિયડની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરાઈ છે. માત્ર અનિવાર્ય કારણોસર અને અપવાદરૂપ કિસ્સામાં જ નોટિસ પિરિયડ જતો કરવા અને પાછલી અસરથી સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવાની દરખાસ્તો ચકાસણી કરીને સરકારના નાણાં વિભાગને અનુમતિ માટે રજૂ કરવા શિક્ષણ વિભાગ દ્વારા જાણ કરાઈ છે.