ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાયેલી ડિગ્રી એન્જિનયિરિંગ કોલેજોમાં ચલાવવામાં આવતાં જુદા જુદા કોર્સિસની મંજૂરી એઆઇસીટીઇ દ્વારા આપવામાં આવે છે. તાજેતરમાં યુનિવર્સિટીએ કેટલાક કોર્સિસને મર્જ કરી દેવાની જાહેરાત કરી હતી. જેની સામે કેટલીક કોલેજોએ વાંધો ઉઠાવ્યો હતો. ભૂજની એક સંસ્થાએ યુનિવર્સિટીના નિર્ણય સામે વાંધો ઉઠાવીને કોર્ટમાં રિટ કરી દીધી હતી. જેમાં કોર્ટે કાઉન્સિલે જે પ્રકારે મંજૂરી આપી હોય તે પ્રકારે જ કોર્સ ચલાવવા અને મર્જ ન કરવાની તાકીદ યુનિવર્સિટીને કરી છે. કોર્ટનો ચુકાદો માત્ર બે કોર્સ માટે છે પરંતુ આગામી દિવસોમાં આ ચુકાદો મર્જ કરાયેલા અંદાજે ૨૦થી વધારે કોર્સને પણ લાગુ પડે તેવી માંગણી સંચાલકો દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.

એઆઇસીટીઇ દ્વારા દરેક કોલેજોને વ્યક્તિગત રીતે માંગણી થાય તે પ્રકારે નવા કોર્સની મંજૂરી અપાતી હોય છે. હાલમાં અનેક કોલેજોએ સ્પેશિયલાઇઝેશન કોર્સ જેવા કે કેમિકલ એન્વાયરમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ વગેરે શરૂ કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને સ્વતંત્ર પ્રવેશ આપવામાં આવે છે. થોડા સમય પહેલા જીટીયુએ એક સરખા નામ ધરાવતાં હોય તેવા કોર્સને મર્જ કરવાની જાહેરાત કરી દીધી હતી. સૂત્રો કહે છે અંદાજે ૨૦થી વધારે કોર્સને મર્જ કરી દેવાની કવાયત પણ શરૂ કરવામાં આવી હતી. જેની સામે ભરૂચની એક કોલેજે વાંધો ઉઠાવીને હાઇકોર્ટમાં રિટ કરી હતી.

સૂત્રો કહે છે કે, હાઇકોર્ટે આ રિટના અનુસંધાનમાં એવો નિર્દેશ કર્યો હતો કે, કાઉન્સિલે જે પ્રકારે મંજૂરી આપી હોય તે પ્રકારે જ કોર્સ ચલાવવા અને યુનિવર્સિટીએ પોતાની રીતે કોઇ કોર્સને મર્જ કરવાની કાર્યવાહી કરવી નહીં. આ કોલેજ દ્વારા એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી નામનો કોર્સ ચલાવવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા એવી સૂચના આપવામાં હતી કે, અમદાવાદ, વલસાડ અને ભૂજની ઇજનેરી કોલેજોમાં પણ એન્વાયરમેન્ટ ઇજનેરીનો કોર્સ ચલાવાય છે. જેના લીધે ભરૂચની કોલેજમાં ચાલતાં એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને અન્ય ત્રણ કોલેજમાં ચાલતાં કોર્સને મર્જ કરી દેવા. હાઇકોર્ટના આદેશ બાદ હવે આ કોર્સ મર્જ કરી શકાય તેમ નથી. હાલ તો હાઇકોર્ટના આદેશના પગલે આ કોર્સને મર્જ કરવાનું માંડી વાળવામાં આવ્યું છે. પરંતુ આગામી દિવસોમાં અન્ય ૨૦ જેટલા કોર્સને પણ મર્જ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

સૂત્રો કહે છે કે, હાઇકોર્ટનો આદેશ જે કોલેજે રિટ કરી હોય તેને લાગુ પાડી શકાતો હોય છે. બીજીબાજુ કેટલીક કોલેજના સંચાલકોએ આ ચુકાદો અન્ય મર્જ કરાયેલા કોર્સને પણ લાગુ કરવો તેવી માંગણી શરૂ કરી છે. જો યુનિવર્સિટી કોલેજ સંચાલકોની માંગણીને પ્રમાણે કોર્સ મર્જ કરવાનું માંડી ન વાળે તો આગામી દિવસોમાં જીટીયુ સામે અન્ય કોર્ટ કેસ થાય તેવી પણ શકયતાં છે. આ અંગે જીટીયુના સત્તાધીશોનો સંપર્ક કરતાં તેઓ મળી શકયા નહોતા.