શિક્ષક બનવા 19 જુલાઈ અને 23 ઓગસ્ટે ‘ટેટ’
|
ટેટ-૨ માટે ૧૦ જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાશે રાજ્ય પરીક્ષા બોર્ડે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટીચર એલિજિબિલીટી ટેસ્ટ (ટેટ)નો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ-૧થી ૫માં શિક્ષક બનવા માટે ટેટ-૧ની પરીક્ષા ઓગસ્ટમાં જ્યારે ધોરણ-૬થી ૮માં શિક્ષક બનવા માટે ટેટ-૨ની પરીક્ષા જુલાઈમાં લેવાશે. ટેટ-૨ની પરીક્ષા માટે ૧૦ જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરાશે. જ્યારે ટેટ-૧ માટે ૧૦ જુલાઈથી રજિસ્ટ્રેશનની કામગીરીનો પ્રારંભ થશે. ટેટ માટે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ-૧ અને ટેટ-૨ની પરીક્ષા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રાથમિક વિભાગમાં પ્રાઈમરી અને અપર પ્રાઈમરી એમ બે ભાગ પડ્યા બાદ પ્રાઈમરી વિભાગમાં શિક્ષક બનવા માટે ટેટ-૧ની પરીક્ષાનું આયોજન કરાયું છે. જ્યારે અપર પ્રાઈમરી વિભાગ માટે ટેટ-૨ની પરીક્ષાનું આયોજન કરાયું છે. આ વખતે ટેટ-૨ની પરીક્ષા પહેલા યોજવાનું નક્કી કરાયું છે. ટેટ-૨ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી ૧૦ જૂનથી લઈને ૧૯ જૂન સુધી હાથ ધરાશે. ફી ભરવા માટે ઉમેદવારોને ૧૦ જૂનથી ૨૦ જૂન સુધીનો સમય અપાશે. ટેટ-૨ની પરીક્ષા ૧૯ જૂલાઈના રોજ લેવાશે. જ્યારે ટેટ-૧ની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી ૧૦ જુલાઈથી લઈને ૨૦ જુલાઈ સુધી હાથ ધરાશે. ત્યારબાદ ઉમેદવારો ૧૦ જૂલાઈથી લઈને ૨૧ જુલાઈ સુધી પોસ્ટ ઓફિસમાં ફી ભરી શકશે. ટેટ-૧ની પરીક્ષા ૨૩ ઓગસ્ટે લેવાશે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રૂ. ૩૫૦ ફી રહેશે અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રૂ.૨૫૦ ફી નક્કી કરાઈ છે. ટેટની ગુજરાતી માધ્યમની પરીક્ષા રાજ્યના ૩૩ જિલ્લાઓમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અંગ્રેજી અને હિન્દી માધ્યમની પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સેન્ટર પર લેવામાં આવશે. ટેટમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ૬૦ ટકા માર્ક લાવવાના હોય છે, જ્યારે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને ૫૫ ટકાએ પાસ જાહેર કરવામાં આવે છે. ટેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ પણ સૂત્રોએ વ્યક્ત કરી હતી. પ્રાઇમરી માટે ટેટ-૧ અને અપર પ્રાઈમરી માટે ટેટ-૨નું આયોજન |