ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી બી.એડ્. કોલેજોમાં આગામી તા.૮મીથી પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં કાઉન્સિલ દ્વારા દરેક બી.એડ્. કોલેજોને મંજૂરીનો લેટર મોકલવાનું શરૂ કરી દેવાયું છે. આ કોલેજમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થાય તે પહેલા જ કોલેજોની તપાસ કરવાનું પણ નક્કી કરાયું છે. જે કોલેજોમાં નિયમ પ્રમાણે સ્ટાફ સહિતની ખામી હોય તેને એડમિશન આપતાં પહેલા ક્ષતિ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવશે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા ચાલુ વર્ષથી બી.એડ્.નો કોર્સ બે વર્ષનો કરી દેવામાં આવ્યો છે. આ માટે દરેક બી.એડ્ કોલેજને પ્રથમ વર્ષ માટે ૫૦ અને બીજા વર્ષ માટે ૫૦ એવી રીતે મંજૂરી આપવાનું શરૂ કરાયું છે. સૂત્રો કહે છે ગુજરાત યુનિવર્સિટીની અનેક બી.એડ્ કોલેજોને હાલ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવાની શરૂ કરી દેવામાં આવી છે. કેટલીક કોલેજોને ૫૦ અને અમુક કોલેજોને ૧૦૦ બેઠકો માટે મંજૂરી આપવામાં આવી રહી છે. જે કોલેજોને મંજૂરી આપવામાં આવી છે તેને પ્રવેશ કાર્યવાહીમાં સામેલ કરવામાં આવશે. પરંતુ જે કોલેજોની મંજૂરી બાકી છે તેવી કોલેજોમાં વિદ્યાર્થીઓને શરતી પ્રવેશ ‌ફાળવવામાં આવશે. આગામી તા.૮મીથી લઇને ૧૦મી સુધીમાં કાર્યવાહી પુરી કરી દેવામાં આવશે. પહેલા તબક્કામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપનારી બી.એડ્ કોલેજોએ પ્રથમ યાદીમાં જ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની મોટાભાગની બી.એડ્ કોલેજો એક્સટર્નલની જેમ વિદ્યાર્થીઓને ઘરે બેઠાં ડિગ્રી આપવાની વ્યવસ્થા કરી આપતી હોય છે. જેના લીધે માળખાકીય સુવિધાઓની વાત તો દૂર મોટાભાગની કોલેજો સ્ટાફ પર પુરતો રાખતી નથી. આ પ્રકારની સ્થિતિમાં હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતાં પહેલા દરેક બી.એડ્ કોલેજોની તપાસ માટે કમિટી મોકલવાનું પણ નક્કી કર્યું છે. કુલપતિ એમ.એન.પટેલ કહે છે પ્રવેશ કાર્યવાહી ૮મીથી શરૂ કરાશે. જેમાં ૧૫મીથી કોલેજો શરૂ થાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે. નોંધનીય છે કે બી.એડ્નો કોર્સ બે વર્ષનો થવાના કારણે મોટાભાગની બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ છે.
હવે માળખાકીય સુવિધાઓ અંગે પણ તપાસ કરાશે