નીચા પરિણામથી આર્ટ્સ કોલેજોના અસ્તિત્વ સામે જોખમ

નીચું પરિણામ બેઠકો ખાલી રખાવશે

લિબરલ આર્ટ્સના કોર્સની તાતી જરૂરગુજરાતમાં આર્ટ્સની આ સ્થિતિ માટે સરકાર અને યુનિવર્સિટીઓના સત્તાધીશોની બેદરકારી કારણભૂતધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ગયા વર્ષની સરખામણીમાં અંદાજે ૧૧ ટકા ઓછું આવ્યું છે. ઓછા પરિણામથી યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્ટ્સ કોલેજોની મોટાભાગની બેઠકો ખાલી રહેશે. શહેરની ત્રણ આર્ટ્સ કોલેજોને બાદ કરતાં બાકીની કોલેજોએ ટકવા માટે સંઘર્ષ કરવો પડે તેમ છે. ગયા વર્ષે ઊંંચા પરિણામ છતાં દરેક આર્ટ્સ કોલેજોમાં બેઠકો ખાલી પડી હતી. આ વર્ષનું પરિણામ અનેક આર્ટ્સ કોલેજો માટે મૃત્યુઘંટ સમાન સાબિત થાય

તેમ છે.

ગુજરાતમાં આર્ટ્સ એટલે કે ધો.૧૨માં વિનિયન પ્રવાહ રાખીને પાસ થતાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે ૭ હજાર જેટલી થાય છે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ આર્ટ્સ કોલેજોની સંખ્યા જોઇએ તો અંદાજે ૮૦ કરતાં વધુ છે. પરંતુ અમદાવાદ શહેરની આર્ટ્સ કોલેજોની સંખ્યા ૧૫થી ૨૦ જેટલી થાય છે. જેમાં અંદાજે ૭ હજારથી વધારે બેઠકો ઉપલબ્ધ છે. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલો કહે છે અમદાવાદમાં આર્ટ્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુમાં વધુ ૩ હજાર જેટલી ગણીએ તો પણ દરેક આર્ટ્સ કોલેજોની બેઠકો ખાલી પડે તેમ છે. રાજયમાં બિલાડીના ટોપની જેમ શરૂ થયેલી ડિપ્લોમા-ડિગ્રી ઇજનેરી કોલેજોમાં હવે સરેરાશ ટકાવારીએ પણ પ્રવેશ મળતો હોવાથી વિદ્યાર્થીઓ આર્ટ્સમાં ભણ‌વાનું ટાળી રહ્યા છે. ગુજરાત સિવાયના રાજયો જેવા કે દિલ્હીમાં આજે પણ પોલિટિકલ સાયન્સ જેવા વિષયો સાથે આર્ટ્સ ભણવા માટે મેરિટલિસ્ટમાં સ્થાન મેળવવું પડે છે. ગુજરાતની સરકાર અને યુનિવર્સિટીઓની બેદરકારીના કારણે આગામી દિવસોમાં આર્ટ્સ કોલેજોનું અસ્તિત્વ ખતરામાં મુકાયું છે. જો તાકીદે આર્ટ્સ ફેકલ્ટી પ્રત્યેની ઉદાસીનતા દૂર કરીને મનોમંથન કરવામાં નહીં આવે તો હવે એ દિવસો પણ દૂર નથી કે, વિદ્યાર્થીઓએ આર્ટ્સ સાથે ભ‌ણવું હોય તો પણ અન્ય રાજયોમાં જવું પડશે.

ધો.૧૦ પછી આર્ટ્સની શાળાઓ શોધે પણ જડતી નથી !

ધો.૧૨ પછી આર્ટ્સમાં ભણવા માટે વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી તે અંગે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ કહે છે ધો.૧૦ પછી આર્ટ્સમાં ધો.૧૧ અને ૧૨ કરી શકાય તેવી શાળાઓ જ હવે રહી નથી. વિદ્યાર્થીઓ ધો.૧૦ પછી સાયન્સ અથવા તો કોમર્સ રાખતાં હોવાથી ધીમે ધીમે આર્ટ્સની શાળાઓ બંધ થઇ રહી છે. જેની સીધી અસર કોલેજો પર જોવા મળે છે. ધો.૧૦ પાસ કરનારા વિદ્યાર્થીએ આર્ટ્સમાં પ્રવેશ લેવો હોય તો અમદાવાદમાં કઇ શાળામાં આર્ટ્સ ચાલે છે તેની તપાસ કરવી પડે છે. વિદ્યાર્થીઓ મળતા ન હોવાથી શાળા સંચાલકો પણ આર્ટ્સ ચલાવવા તૈયાર થતાં નથી.

આર્ટ્સમાં અંગ્રેજી માધ્યમની માત્ર ત્રણ કોલેજો !

ધો.૧૨ પાસ થયા પછી જે વિદ્યાર્થીઓ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન થવા માગે છે તે પૈકી મોટાભાગના અંગ્રેજી માધ્યમ રાખવા ઇચ્છતાં હોય છે. અમદાવાદમાં એલ.ડી., ઝેવિયર્સ અને ભવન્સ જેવી ગણતરીની ત્રણ કોલેજોમાં જ અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલે છે.


ધો.૧૦ પછી આર્ટ્સમાં આગળ ભણવા માટે શાળાઓ મળતી નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ કોમર્સ અને સાયન્સ રાખતાં થયા છે. સાયન્સમાં ઓછા ટકા આવશે તો પણ ઇજનેરીમાં પ્રવેશ મળી જાય છે. આજ રીતે સામાન્ય પ્રવાહ પછી હવે સી.એ. અને સી.એસ.નો ટ્રેન્ડ પણ વધ્યો છે. જેની સામે આર્ટ્સમાં જોબ રિલેટેડ કોર્સ શરૂ થઇ શકતા નથી. હવે આર્ટ્સમાં પણ લિબરલ આર્ટ્સને લગતાં કોર્સ શરૂ કરવાનો સમય થઇ ગયો છે. - સુભાષ બ્રહ્મભટ્ટ, એચ.કે. આર્ટ્સ કોલેજ પ્રિન્સિપાલ