પ્રાથમિક શા‌ળાઓમાં આચાર્યો ફરી શિક્ષકો બન્યા! હેરાનગતિ જ નહીં વહીવટનો અભાવ પણ જવાબદાર પ્રાથમિક સ્કૂલમાં માત્ર એક વર્ગ સીમિત જવાબદારી ધરાવતા શિક્ષક જ્યારે પરીક્ષા આપી આચાર્ય બને છે ત્યારે તેની પર સમગ્ર સ્કૂલની જવાબદારી આવી જતી હોય છે. આ સ્થિતિમાં તેઓ સમગ્ર સ્કૂલનું વહીવટ ચલાવવા અસક્ષમ હોય છે. જેથી તેઓને આચાર્ય બન્યાના એક-બે મહિનામાં જ ખબર પડી જાય છે કે તેઓ આચાર્ય તરીકે સ્કૂલનું સંચાલન યોગ્ય રીતે કરી શકશે નહીં, જેથી તેઓ ટૂંકા ગાળામાં જ ફરીથી શિક્ષક બની જગ્યા ફરજ બજાવતા હોય ત્યાં જતાં રહેતા હોવાનું જાણવા મળે છે. અગાઉ સિનિયર શિક્ષકો જ આચાર્ય બનતા હતા રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં અગાઉ સિનિયોરીટીના આધારે આચાર્યની નિમણૂક કરવામાં આવતી હતી. જેમાં કોઈ શિક્ષક લાંબા સમયથી સ્કૂલમાં ફરજ બજાવતો હોય તો તેને સ્કૂલનો સ્ટાફ અને ગામના લોકો પણ ઓળખતા હોઈ તેઓ સિનિયોરીટીથી આવેલા આચાર્યને સહકાર આપતા હોય છે. જોકે સીધી ભરતીથી બહારથી કોઈ શિક્ષક આચાર્ય બનીને આવે ત્યારે તે સ્કૂલના સિનિયર શિક્ષકોને અહમ ઘવાતો હોઈ તેઓ સ્ટાફ તથા ગામના લોકોનો સહકાર મેળવી નવા આચાર્યને હેરાન કરતા હોઈ તેઓ નોકરી છોડી પરત મુળ જગ્યાએ જતા રહેતા હોય છે. સીધી ભરતીથી આચાર્ય બનનારને સ્કૂલના સિનિયર શિક્ષકો તેમજ ગ્રામજનો સહકાર આપતા ન હોવાની ફરિયાદ

રાજ્યમાં આવેલી પ્રાથમિક સ્કૂલોમાં આચાર્ય બનવા માટે પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં સફળ થયા બાદ આચાર્ય તરીકે ફરજ બજાવવા માટે જતાં શિક્ષકોને સ્કૂલનો સ્ટાફ તથા ગ્રામજનો તરફથી પુરતો સહકાર મળતો ન હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેથી પરીક્ષા આપી આચાર્ય બન્યા પછી પણ શિક્ષકો ફરીથી શિક્ષક બન્યા હોવાનું જાણવા મળે છે. આચાર્ય બનવા માટે ‘એચટાટ’ની પરીક્ષા અમલમાં આવતા સિનિયર શિક્ષકોમાં રોષ ફેલાયો હોઈ તેઓ સ્ટાફના અન્ય લોકોનો સહકાર મેળવી નવા આચાર્યને હેરાન કરતા હોવાની ફરિયાદો ઊઠી છે.

રાજ્યમાં આવેલી પ્રાથમિક સ્કૂલોમાં આચાર્ય બનવા માટે રાજ્ય સરકાર દ્વારા એચટાટની પરીક્ષા અમલમાં મુકી હતી. આ પરીક્ષા પાસ કરનારા શિક્ષકો સીધી ભરતીથી મુખ્ય શિક્ષક બની શકતા હોઈ અનેક શિક્ષકો આ પરીક્ષા આપી આચાર્ય બની રહ્યા છે. જોકે સીધી ભરતીથી આચાર્ય બનનારા શિક્ષકો કરતા સિનિયર શિક્ષકો હોવા છતાં તેમને જૂનિયર શિક્ષક એવા આચાર્યની હાથની નીચે કામ કરવું પડતું હોઈ સિનિયર શિક્ષકોમાં રોષ ફેલાયો છે. જેથી આવા સિનિયર શિક્ષકો સ્કૂલના અન્ય સ્ટાફના સહકારથી સીધી ભરતીથી આવેલા આચાર્યોને યેનકેન પ્રકારે હેરાન કરતા હોઈ આચાર્યને સ્કૂલમાં કામ કરવું મુશ્કેલ બને છે.

તાજેતરમાં અમદાવાદમાં પણ સીધી ભરતીથી મુખ્ય શિક્ષક બનેલા ૬થી ૭ જેટલા આચાર્ય ફરી શિક્ષક બની ગયા છે. જ્યારે ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ ૮૦થી ૯૦ જેટલા આચાર્ય ફરી શિક્ષક બની ગયા હોવાનું જાણવા મળે છે. સીધી ભરતીથી આચાર્ય બનનારા પાસે એક વર્ષનો સમય હોય છે. આ વર્ષ દરમિયાન જો તેઓ પોતાની મુળ જગ્યા પર પરત જવા માંગતા હોય તો તેઓ જઈ શકે છે. જેથી આચાર્ય બન્યા પછી જતાં આ શિક્ષકોને હેરાન કરી એક વર્ષમાં જ જ્યાંથી આવ્યા હતા ત્યાં પરત મોકલી દેવામાં આવતા હોય છે. આ સ્થિતિમાં સિનિયોરીટી પ્રમાણે સૌથી સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવતો હોય છે. સીધી ભરતીથી આચાર્ય બનનારે થતી હેરાનગતિ તથા વહીવટ સંભાળી ન શકવાની ક્ષમતાના લીધે તેઓ રાજીનામાં આપી શિક્ષક બની રહ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ

જણાવ્યું હતું.

પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય તરીકે સીધી ભરતીથી આવેલા શિક્ષકોને સ્કૂલના અન્ય શિક્ષકો કામમાં કો-ઓપરેટ કરતા નથી. ઉપરાંત ગામના માણસોને આચાર્ય વિરુદ્ધ ભડકાવવામાં આવે છે. સ્કૂલના અન્ય શિક્ષકો મુખ્ય શિક્ષકને કહ્યા વગર જ રજા પર ઉતરી જાય. આટલું જ નહીં ઘણા કિસ્સામાં તો સ્કૂલના શિક્ષકો મુખ્ય શિક્ષક સાથે મારા મારી પણ કરતા હોવાનું જાણવા મળે છે. આમ અનેક રીતે હેરાન કરી આચાર્યને પરત તેમની જગ્યા પર જવા મજબૂર કરવામાં આવતા હોય છે.