ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજોમાં પહેલા રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી કાર્યવાહી આગામી તા.૨૯મીથી કરવાનું નક્કી કરાયું છે. અગાઉ આ કાર્યવાહી તા.૨૭મીથી કરવાની હતી પરંતુ હાલમાં બી.એડની કાર્યવાહી ચાલતી હોવા ઉપરાંત મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થતી હોવાથી બે દિવસ મોડું કરવામાં આવી રહ્યું છે. તા.૨૯મીથી તા.૫મી સુધીમાં સાયન્સમાં પ્રવેશ માટે અરજી કરનારા તમામ ૧૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ફરીવાર પ્રવેશ માટે બોલાવવામાં આવશે.

સાયન્સમાં પ્રવેશ માટે પહેલો રાઉન્ડ પૂરો થયા બાદ ગ્રાન્ટેડ કોલેજોમાં અંદાજે ૧ હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. આ સિવાય અનામત કેટેગરીની પણ ૭૦૦ જેટલી બેઠકો ખાલી પડી હતી. આમ, કુલ ૧૭૦૦ બેઠકો હાલમાં ખાલી પડી છે. આ સિવાય ૧૨ જેટલી સ્વનિર્ભર સાયન્સ કોલેજોની અંદાજે ૪ હજાર જેટલી બેઠકો પણ બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે. સાયન્સ પ્રવેશ સમિતિના કો-ઓર્ડીનેટર પ્રો.બી.કે.જૈન કહે છે, સાયન્સ પ્રવેશના બીજા રાઉન્ડમાં અંદાજે સાડા પાંચ હજાર જેટલી બેઠકો સામેલ કરાશે. પ્રવેશ માટે દરખાસ્ત કરનારા તમામ ૧૧૫૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફરીવાર તક આપવામાં આવશે.

અગાઉ જે વિદ્યાર્થીઓને એમ.જી.સાયન્સ સહિતની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ મળી શકયો નથી તેઓને પણ તક આપવામાં આવશે. હાલ મેડિકલ અને ઇજનેરીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓેએ પણ સાયન્સમાં પ્રવેશ લીધો છે. હવે બન્ને કાર્યવાહી શરૂ થવાના કારણે ધીમે ધીમે બેઠકો ખાલી પડશે.સૂત્રો કહે છે ખાલી પડેલી બેઠકોની સામે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી સ્વનિર્ભર સાયન્સ કોલેજોની અનેક બેઠકો ખાલી પડવાની પુરી શકયતાં છે. બીજા રાઉન્ડની કાર્યવાહી બાદ પૂરક પરીક્ષામાં પાસ થયેલા અને જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ જ ભર્યું નથી તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે એક રાઉન્ડ કરાશે.• પૂરક પરીક્ષા અને ફોર્મ ન ભરનારા વિદ્યાર્થીઓ માટે ત્રીજો રાઉન્ડ કરાશે