ડિગ્રી
એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેના બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો
સંચાલકોને સોંપી દેવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. માત્ર
સરકારી કોલેજોની ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી કાર્યવાહી કરવાનું નક્કી
કરાયું હતું. જો કે, હવે ખાલી પડેલી સરકારી સહિતની તમામ કોલેજો માટે
નવેસરથી ત્રીજો રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત રાઉન્ડ-૨માં જે
વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી આપવામાં આવ્યો છે તેઓને એડમિશન કન્ફર્મ કરાવવા
માટેની મુદત લંબાવીને ૩૧મી જુલાઇ કરવામાં આવી છે. આ સમય મર્યાદા પછી
તા.૧લીએ ખાલી પડેલી બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે. ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે જરૂરી સંમતિ અને બેઠકો પસંદગી માટે તા.૧લીથી ૭મી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ આ દિવસો દરમિયાન કરેલી ચોઇસ ફિલિંગનું પરિણામ તા.૧૦મીએ જાહેર કરવામાં આવશે. રાઉન્ડ-૩માં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હોય તેઓએ તા.૧૦ અને ૧૧મી ઓગસ્ટ સુધીમાં ટોકન ફી ભરીને એડમિશન સ્લીપ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોને રાઉન્ડ-૨માં એડમિશન મળેલું છે એવા ઉમેદવારોએ સદર રાઉન્ડનું એડમિશન તા.૩૧મી ઓગસ્ટ સુધીમાં કન્ફર્મ કર્યુ હશે ફક્ત એવા વિદ્યાર્થીઓએ જ આ તબક્કામાં ભાગ લઇ શકશે. જે વિદ્યાર્થીઓએ અગાઉના રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય તેઓએ તા.૫મી સુધીમાં એડમિશન મળેલી સંસ્થામાં જઇને રિપોર્ટિંગ કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ સંસ્થામાં જઇને રિપોર્ટિંગ ન કરાવે તેઓનું એડમિશન રદ ગણવામાં આવશે. રાજયમાં ભારે વરસાદના કારણે અને જોઇન્ટ સીટ એલોકેશન દ્વારા જાહેર કરાયેલા સુધારેલા પ્રવેશ કાર્યક્રમના કારણે ઊંચા મેરિટની બેઠકો ખાલી પડે તેમ હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા ત્રીજો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઊંચા મેરિટની બેઠકો ખાલી પડવાના કારણે હાલમાં જે વિદ્યાર્થીઓને સારી બેઠકો મળી નથી તેમાં તક મળે તે માટે આ રાઉન્ડ કરવામાં આવી રહ્યો છે. |