પાટીદાર અનામત આંદોલનને રાજયવ્‍યાપી બનાવવાના ચક્રો ગતિમાન
શિક્ષણ અને નોકરીમાં અનામતના મુદ્દે ગુજરાતમાં પાટીદાર સમાજ સક્રિય બન્‍યોઃ વિસનગરની રેલી બાદ હવે મધ્‍યગુજરાત, સૌરાષ્‍ટ્ર અને દ.ગુજરાતમાં આંદોલનને લઇ જવાની તૈયારીઃ પાટીદાર જાગો, અનામત માંગોના સંદેશાઓ વહેતા થયાઃ રપ ઓગષ્‍ટે અમદાવાદમાં પાટીદારોનું શકિત પ્રદર્શનઃ સરકાર ચિંતાતુરઃ આંદોલનને ડામવા પ્રયાસ
 શિક્ષણ અને નોકરીમાં અનામતના મુદ્દે ગુજરાતમાં પાટીદાર સમાજ સક્રિય બન્‍યો છે અને ગુરૂવારે વિસનગરમાં યોજાયેલી રેલી બાદ હવે આવી રેલીઓ ગુજરાતના વિવિધ ભાગોમાં યોજવાની તૈયારીઓ થઇ રહી છે જેના ભાગરૂપે આગામી રપ ઓગષ્‍ટે અમદાવાદમાં એક લાખ પાટીદારોની મહારેલી યોજવાની તૈયારી થઇ રહી છે અને તેમાં પાટીદાર સમાજ મોટી સંખ્‍યામાં જોડાય તે માટે ‘પાટીદાર જાગો, અનામત માંગો'ના સુત્રો સાથે વોટસએપમાં સંદેશાઓ પણ ફરતા થયા છે. પટેલ અનામત આંદોલનને હવે રાજયવ્‍યાપી બનાવવાની તૈયારી પણ થઇ રહી છે. મધ્‍યગુજરાત, સૌરાષ્‍ટ્ર અને પછી દ.ગુજરાતમાં સુરત સુધી આ આંદોલનને તબક્કાવાર રીતે લઇ જવા બેઠકોના દોર પણ શરૂ થઇ ગયા હોય તેવુ જાણવા મળે છે. પાટીદાર અનામત આંદોલન ભાજપ અને રાજય સરકાર માટે માથાનો દુઃખાવો બન્‍યો હોવાનું પણ કહેવાય છે.
   આ અંગે મળતી વિગતો મુજબ વોટસએપમાં જે સંદેશાઓ ફરતા થયા છે તેમાં જણાવાયુ છે કે, ગુજરાતનો કોઇ પાટીદાર પરિવાર એવો નહી હોય જે અનામત પ્રથાનો ભોગ ન બન્‍યો હોય. આ મેસેજમાં સરકારી નોકરીઓમાં હાલના અનામત કવોટા દર્શાવવામાં આવ્‍યા છે અને તેના કારણે સમાજના સંતાનો વર્ષોથી અન્‍યાયનો ભોગ બન્‍યા છે પરંતુ હવે કયાં સુધી અન્‍યાય સહન કરશું ? તેવો સવાલ ઉઠાવવામાં આવ્‍યો છે. વધુમાં લખવામાં આવ્‍યુ છે કે, હા, અન્‍યાય થયો છે એમ સુર પુરાવાથી ન્‍યાય નહી મળે. આ મેસેજ દરેક પાટીદાર સુધી પહોંચાડો તેવી અપીલ પણ કરવામાં આવી છે. એક પાટીદાર બીજા ૧૦ પાટીદારને રેલીમાં લાવવાની પ્રતિજ્ઞા લ્‍યે અને રેલીને સફળ બનાવે એમ જણાવી જય પાટીદાર લખવામાં આવ્‍યુ છે.
   જાણવા મળતી વિગત મુજબ રપ ઓગષ્‍ટે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્‍ટ, વલ્લભ સદ્દન પાછળ રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ રેલી બાદ સત્તાવાળાઓને આવેદનપત્ર પણ અપાશે. જો કે આ રેલીને મંજુરી હજુ નથી મળી તેવુ પાટીદાર અગ્રણી ડો.નચિકેત પટેલે જણાવ્‍યુ છે.
   પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે આંદોલન શરૂ કરનાર આંદોલનના સંયોજક હાર્દિક પટેલે જણાવ્‍યુ છે કે, અમારૂ આંદોલન બીનરાજકીય છે અને આગામી ૧૦ દિવસમાં ૧૩ સ્‍થળે રેલી અને સંમેલન યોજીને પાટીદાર અનામતની અમારી માંગણીને બળ આપવાના છીએ. આજે વિજાપુરમાં સભા છે અને મામલતદારને આવેદન પણ અપાશે.
   દરમિયાન આ આંદોલનથી ચિંતિત સરકાર પાટીદારના કાર્યક્રમો ઉપર ચાંપતી નજર રાખી રહેલ છે. સરકારે તમામ મશીનરીને કામે લગાડી આ ચળવળ પાછળ કોનુ ભેજુ છે ? તે શોધવા પ્રયાસો શરૂ કર્યા છે. રપ ઓગષ્‍ટે અમદાવાદમાં યોજાનાર રેલીને સરદાર પટેલનું ગ્રુપનું સમર્થન નથી તેવા સંદેશા પણ વહેતા થયા છે. દરમિયાન ભાજપના પુર્વ સાંસદ હરિભાઇ પટેલે પણ પાટીદાર અનામત પરોક્ષ રીતે હિમાયત કરી છે. સૌરાષ્‍ટ્રનો પાટીદાર સમાજ આ મુદ્દે વિચારતો થઇ ગયો છે અને સમાજના બાળકોના ભવિષ્‍ય માટે અનામત જરૂરી હોવાનો સુર ઉઠયો છે.
   પાટીદાર અનામત આંદોલન ઉગ્ર બનાવાશેઃ રાજકોટમાં પમીએ તથા અમદાવાદમાં રપ ઓગષ્‍ટે મહારેલીઃ ૧૦ દિવસમાં ૧૩ જેટલી રેલીઓ યોજાશેઃ અમરેલીમાં પટેલ આગેવાનોની બેઠકઃ આંદોલનને સૌરાષ્‍ટ્રવ્‍યાપી બનાવવા નિર્ણય લેવાયો
   અમદાવાદ : રાજકોટમાં પમી ઓગષ્‍ટે પાટીદાર અનામત રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ હોવાનું જાણવા મળે છેઃ પાટીદાર સમાજના વિકાસ માટે જે અભિયાન હાથ ધરાયુ છે તેને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છેઃ તેના ભાગરૂપે ૧૦ દિવસમાં ગુજરાતમાં અલગ-અલગ સ્‍થળોએ ૧૩ જેટલી રેલીઓનું આયોજન કરવામાં આવ્‍યુ છેઃ રાજકોટમાં પ ઓગષ્‍ટે તથા અમદાવાદમાં રપ ઓગષ્‍ટે મહારેલી યોજાશેઃ અમદાવાદની રેલીમાં ૧પ લાખ પાટીદાર ભાઇ-બહેનો ઉપસ્‍થિત રહે તેવી શકયતા છેઃ પાટીદાર અનામત આંદોલનને ધીરે-ધીરે ઉગ્ર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્‍યુ છેઃ અમરેલીમાં પણ લડત શરૂ કરવાની તૈયારી થઇ રહી છેઃ પટેલ સમાજને બક્ષીપંચમાં સમાવી લઇને અનામતનો લાભ આપવાની માંગણી માટે અમરેલીમાં પટેલ આગેવાનોની બેઠક યોજાઇ હતીઃ જેમાં અમરેલીથી આંદોલનની શરૂઆત કરીને તેને સૌરાષ્‍ટ્રવ્‍યાપી બનાવવાના કાર્યક્રમો અંગે ચર્ચા થઇ હતી.
   પાટીદારોની વિસનગર રેલીની હિંસાની સેન્‍ટ્રલ આઇબી તપાસ કરશેઃ બોરસદમાં અનામતની માંગણીસર રેલી યોજાઇ
   અમદાવાદ : વિસનગરમાં તાજેતરમાં પાટીદાર અનામત રેલી હિંસક બની તે ઘટનાની સેન્‍ટ્રલ આઇબી તપાસ કરશેઃ આ રેલીમાં એક નેતાની કાર સળગાવવામાં આવી હતી અને પત્રકારો ઉપર હુમલો થતા ત્રણને ઇજા થઇ હતીઃ આ હિંસક ઘટના અંગે સેન્‍ટ્રલ આઇબી તપાસ કરનાર છેઃ દરમિયાન  બોરસદના વાસણા ગામમાં પાટીદાર અનામત સમિતિ તરફથી એક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન અપાયુ હતુ અને અનામત આપવાની માંગણી થઇ હતી.http://www.akilanews.com