વિદ્યાર્થિની દીઠ મહત્તમ ~200નો ખર્ચ શિક્ષણ વિભાગ કરશે: સ્વ-રક્ષણમાં કરાટે-જુડો-લાઠી-લેઝિમની તાલીમ આપવામાં આવશે
જાન્યુ-૨૦૧૬માં પ્રગતિ અહેવાલ આપવો પડશે
ઘરથી દૂર આવેલી સ્કૂલોમાં જતી વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવાનો સરકારે નિર્ણય લીધો છે, જેમાં સ્કૂલોએ ઓછામાં ઓછા ત્રણ માસ સુધી વિદ્યાર્થિનીઓને તાલીમ મળી રહે તેવું આયોજન કરવાનું છે. સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને બરોબર તાલીમ બરાબર મળી રહે છે કે કેમ તેની જવાબદારી સ્કૂલોની પણ હોઈ જાન્યુઆરી - ૨૦૧૬માં સ્કૂલો પાસેથી આ કાર્યક્રમનો પ્રગતિ અહેવાલ માંગવામાં આવશે. આટલું જ નહીં જિલ્લા પ્રમાણે ઓછામાં ઓછા ૧૦ જેટલા કેસ સ્ટડી તૈયાર કરીને શિક્ષણ વિભાગને મોકલવાના રહેશે.
વિદ્યાર્થિનીઓનેઓછામાં ઓછા 3 માસ તાલીમ આપવી પડશે
ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે જતી વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તાલીમ સ્પેશિયલ કોચ દ્વારા અપાશે અને વિદ્યાર્થિનીઓને ઓછામાં ઓછા ત્રણ માસ માટે તાલીમ મળી રહે તે જોવા પણ તાકીદ કરવામાં આવી છે. ઘણા કિસ્સામાં સરકારના પરિપત્ર બાદ કામગીરી તો શરૂ કરાય છે પરંતુ ત્યારબાદ તેનો ફિયાસ્કો કરી દેવામાં આવતો હોઈ આ વખતે કામગીરીનું સતત મોનીટરીંગ કરવા માટે પણ સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ઘરથી દૂર સ્કૂલે જતી છાત્રાઓને સ્વ-રક્ષણની તાલીમ



રાજ્યમાં આવેલી ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જેઓ ઘરેથી દુર સ્કૂલે જાય છે તેમને સ્વરક્ષણની તાલીમ આપવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ-૬થી ૮માં અભ્યાસ માટે સાયકલ પર, ચાલતી કે એકલી જતી વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં સ્પેશ્યલ કોચ રાખી તાલીમ આપવામાં આવશે. આ માટે વિદ્યાર્થિની દીઠ ~૨૦૦ની ગ્રાન્ટ પણ સરકાર દ્વારા ચુકવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જો કોઈ જિલ્લામાં વિદ્યાર્થિની દીઠ ~૨૦૦ કરતા ઓછો ખર્ચ આવતો હોય તો વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારી ગ્રાન્ટનો પુરો ઉપયોગ કરવા તાકીદ કરાઈ છે. મોટાભાગે સ્કૂલોએ શારિરીક શિક્ષણના ક્લાસ દરમિયાન તાલીમ આપવાની રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં વર્ષ ૨૦૧૫-૧૬માં ઈનોવેશન હેડના સબહેડ ગર્લ્સ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ મળી રહે તે માટે બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેથી દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓને સ્વ-રક્ષણની તાલીમ મળી રહે તે માટેનું આયોજન કરવાનું રહેશે. આ માટે જિલ્લામાં આવેલી ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોને પસંદ કરવાની રહેશે. જ્યાં વિદ્યાર્થિનીઓ પોતાના ઘરેથી ધોરણ-૬થી ૮ની શાળામાં ભણવા માટે સાયકલ દ્વારા કે ચાલતી જતી હોય, એકલી જતી હોય તેવી સ્કૂલોને પસંદ કરવાની રહેશે.

વિદ્યાર્થિનીઓને સ્વ-રક્ષણમાં સ્કૂલમાં કરાટે, બેઝિક સ્વ-રક્ષણ તાલીમ, જૂડો-લાઠી-લેઝીમની તાલીમ આપવાની રહેશે. કઈ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને સ્વ-રક્ષણની તાલીમની જરૂર છે તેની પસંદગી બીઆરસી-સીઆરસી કો-ઓર્ડિનેટરે ચીવટતાપૂર્વક કરવાની રહેશે. પસંદ કરવામાં આવેલી સ્કૂલોની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા સ્વ-રક્ષણની તાલીમ માટે પંદર દિવસમાં કોચ અથવા તો સંસ્થાની પસંદગી કરી ઉચ્ચ કક્ષાએ જાણ કરવાની રહેશે. ત્યાર બાદ ૨૫ ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા મુજબ સ્કૂલોને ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવશે.

સ્વ-રક્ષણની તાલીમ માટે વિદ્યાર્થિની દીઠ મહત્તમ ~૨૦૦ની જોગવાઈ કરવામાં આવેલી છે, પરંતુ જો વિદ્યાર્થિની દીઠ ~૨૦૦થી ઓછી રકમમાં તાલીમ નક્કી થાય તો વિદ્યાર્થિનીઓ અથવા તો સ્કૂલો વધારીને જિલ્લા કક્ષાએ આપવામાં આવેલી ગ્રાન્ટનો પુરો ઉપયોગ કરવાનો રહેશે. સ્વ-રક્ષણમાં વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ ભાગ લઈ શકે તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે. સ્કૂલોમાં સ્વ-રક્ષણની તાલીમ શારિરીક શિક્ષણના વર્ગ દરમિયાન યોજવાની રહેશે. પરંતુ જો સ્કૂલ સમય સિવાયના સમયમાં તાલીમનું આયોજન કરવાની જરૂર જણાય

તો વાલીઓની મિટીંગ બોલાવી સંમતિ મેળવ્યા બાદ આયોજન કરવાનું રહેશે. સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને સમયસર અને નિયમિત તાલીમ મળે છે કે કેમ તે અંગેની જવાબદારી ગર્લ્સ એજ્યુકેશનના મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર તેમજ બીઆરસી-સીઆરસી કો-ઓર્ડિનેટરને સોંપવામાં આવી છે. સ્કૂલ દ્વારા નિમાયેલા કોચ દ્વારા વિદ્યાર્થિનીઓને તાલીમ આપવામાં આવે છે કે કેમ તેનું સતત મોનિટરીંગ કરવાનું રહેશે. મોનિટરીંગ કરી તેનો અહેવાલ પણ જિલ્લા કક્ષાએ રજૂ કરવાનો રહેશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું.