મોંધવારી ભથ્થાને વધારીને ૧૧૯ ટકા કરવા દરખાસ્તને અંતે મંજુરી
એક
કરોડથી વધારે સરકારી કર્મચારી, પેન્શન મેળવનારને લાભ : કેન્દ્રીય
કેબિનેટની બેઠકમાં મોંધવારી ભથ્થાનો દર છ ટકા વધારી૧૧૩ ટકાની જગ્યાએ ૧૧૯
ટકા કરાયો : પહેલી જુલાઈથી ડીએ વધારાને અમલી કરાશેકેન્દ્ર સરકારના કર્મચારીઓને
તહેવાર પહેલાં જ મોટી ખુશી મળે તેવા ધટનાક્રમમાં કેન્દ્રીય કેબિનેટે
મોંધવારી ભથ્થા અથવા ડીએને ૧૧૩ ટકાથી વધારીને ૧૧૯ ટકા કરવાની દરખાસ્તને
લીલીઝંડી આપી દીધી છે. આ વધારાથી ૧ કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને
પેન્શન મેળવી રહેલા લોકોને સીધો લાભ થશે. મોંધવારી ભથ્થામાં ૬ ટકાનો
વધારો કરવામાં આવ્યો છે. સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, કેન્દ્રીય
કેબિનેટે મોંધવારી ભથ્થાનો દર ૬ ટકા વધારીને ૧૧૯ ટકા કરવાને મંજુરી આપી
છે. અત્રે નોંધનીય છે કે, એપ્રિલમાં સરકારે ડીએને છ ટકા વધારીને કર્મચારીના
મૂળ પગારના ૧૧૩ ટકા કરવાની જાહેરાત કરી હતી અને તેને જાન્યુઆરીથી અમલી
બનાવવાની જાહેરાત કરી હતી. ડીએની ચુકવણી મૂળ પગાર મુજબ કરવામાં આવે છે.
ડીએમાં આ વધારો પહેલી જુલાઈથી અમલી કરવામાં આવશે. ડીએમાં વધારો છઠ્ઠા વેતન
પંચની ભલામણના આધાર ઉપર સ્વીકાર્ય ફોર્મ્યુલા ઉપર આધારીત છે. આનો સીધો
લાભ ૪૮ લાખ સરકારી કર્મચારી અને ૫૫ લાખ પેન્શન મેળવી રહેલા લોકોને થશે.
ડીએમાં આ સુચિત વધારાને જુલાઈથી અમલી ગણવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,
ડીએમાં વધારો છેલ્લા ૧૨ મહિનાના કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ
ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સના સરેરાશ પર આધારીત રહે છે. ગયા મહિનામાં જ
કેબિનેટે સાતમા વેતનપંચની અવધિને ચાર મહિના સુધી લંબાવવાની દરખાસ્તને
મંજુરી આપી હતી અને આની અવધિને ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવી હતી.