દૂધનો સાર ધી છે, ફૂલનો સાર મધ છે એ રીતે મહાભારતનો સાર શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. છેલ્લાં ૫૧૧૭ વર્ષથી આપણી આ ભગવદ્ગીતાની જન્મજયંતી ઉજવાય છે.
એનાથી જ પ્રતિપાદિત થાય છે કે તે આજે પણ કેટલી પ્રસ્તુત છે ! જગતના મુખ્ય બાર ધર્મ છે જેમાં આ એક જ 'ગીતા' ધર્મગ્રંથ એવો છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે માત્ર એકલા ભારતમાં  જ બસો પચાસ પુસ્તકો ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાનાં તો અલગ.
મહાત્મા ગાંધીજીએ અનાસક્તિ યોગ, ઇસ્કોન દ્વારા ગીતા તેના મૂળ રૃપે, પાંડુરંગ આઠવલે દ્વારા ગીતામૃતમ- વિનોબા ભાવે દ્વારા ગીતા પ્રવચનો, પંડિતો,વિદ્વાનો, વિવેકચો દ્વારા આ રીતે માત્ર ગીત ઉપર જ બસો પચાસ પુસ્તકો લખાયાં છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂળ તો મહાભારતના છઠ્ઠા પર્વમાં ભીષ્મપર્વમાં અધ્યાય  નંબર પચીસથી બેતાળીસ અધ્યાયમાં આવે છે,
જે શ્રીકૃષ્ણ દ્વારા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સંબોધીને કહેવામાં આવી છે. જેને સંસ્કૃત ભાષામાં વેદવ્યાસે છંદબદ્ધ કરી કુલ અઢાર અધ્યાયના સાતસો શ્લોકોમાં વિશ્વ સમક્ષ રજૂ કરી છે. એ શ્રીકૃષ્ણ દ્યૈપાયન (બાદરાયણ)  વ્યાસજીને વંદન.
શ્રીમદ્ ભગવદ્ગીતાના ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ભગવાન ૫૭૫ શ્લોક બોલ્યા છે. અર્જુન ૮૫ શ્લોક, સંજય ૩૯ શ્લોક અને ધૃતરાષ્ટ્ર એક શ્લોક બોલ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાન ઉવાચ ૨૮ વખત, અર્જુન ઉવાચ ૨૧ વખત, સંજય ઉવાચ ૯ વખત અને એક વખત ધૃતરાષ્ટ્ર ઉવાચ મળી કુલ ૫૯ ઉવાચ આવે છે. સૌથી વધુ ૧૦૩ શ્લોકો ય અક્ષરથી શરૃ થાય છે, સૌથી વધુ ૧૩૬ વખત આત્મા શબ્દ આવે છે. અર્જુને કુલ ૨૭ પ્રશ્નો સમગ્ર ગીતામાં શ્રીકૃષ્ણને પૂછયા છે. ગીતામાં શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ આવે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્યારે વાંચો ત્યારે નવીન લાગે છે. તેના વાચ્યાર્થ, શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ એટલા બધા છે કે તેનો કોઇ પાર નથી. ભગવદ્ ગીતાના એકથી અઢાર અધ્યાયમાં કુલ ૮૭ (સિત્યાસી) વ્યક્તિઓનો નામ સાથે ઉલ્લેખ થયો છે, જેમ કે : શંકર, શુક્રાચાર્ય, સહદેવ, અર્જુન, પ્રહલાદ, નારદ વગેરે. ગીતામાં આ જે વ્યક્તિઓના નામ આવે છે તેનો સીધો સંબંધ સમગ્ર માનવજાત સાથે છે.
તેના ખાસ આધ્યાત્મિક ગૂઢાર્થો છે આજે ગીતાજયંતિના અવસરે ભગવદ્ગીતાનાં કેટલાંક ખાસ પાત્રોના ગર્ભિત અર્થ, ગૂઢાર્થ અને રહસ્યો જાણવાનો ઉપક્રમ છે, જે સૌને ગમશે.
અ.નં.    વ્યક્તિ    ગીતાના સંદર્ભમાં વિશેષતા
૧. શ્રીકૃષ્ણ :   સ્વયં પરમકૃપાળુ પરમાત્મા, જીવ સાથે રહેતું શિવતત્વ. ખુદ ભગવાન છે, કર્મ ભક્તિ અને જ્ઞાનનું જીવંત પ્રતીક. આસુરી તત્વોનો નાશ, સજ્જનોનું રક્ષણ, સ્વધર્મનું પાલન કરવા કરાવવા  માટે અવતાર ધારણ કરનાર સાક્ષાત્ બ્રહ્મ.
૨. અર્જુન  :  પરમાત્માનો અંશ. જીવાત્મા. આપણા જેવા જ સામાન્ય માણસનો પ્રતિનિધિ. આપણા વતી ગીતામાં શ્રીકૃષ્ણને સત્તાવીસ પ્રશ્નો પૂછયા. સ્વધર્મથી વિમુખ. ઉપદેશ પછી જાગૃત. મિત્રની જીવતી જાગતી વ્યાખ્યા. એક લક્ષ્ય. કુટુંબ માટે ન્યોછાવર. નારી સન્માનના આગ્રહી. નર અને નારાયણની જોડી. પરાક્રમી શ્રેષ્ઠ શિષ્યનું ઉદાહરણ.
૩. યુધિષ્ઠિર : સત્ય અને ધર્મનું પ્રતીક. ધર્મના અવતાર. પરિવારમાં એક વડીલ હોવા જ જોઇએ. એ સાર્થક કરનાર. યક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. ન્યાયી, નિ:સ્વાર્થ, નિષ્પક્ષ તટસ્થના ગુણો ધારણ કરનાર, એક શ્વાન સ્વર્ગને પણ ઠોકર મારનાર ત્યાગની સાક્ષાત મૂર્તિ.
૪. સહદેવ  :  અતિજ્ઞાન હેઠળ પીડાતા મનોમંથન વેઠતા માણસનું પ્રતીક. અતિ સર્વત્ર વર્જયેત્નું જીવતું જાગતું ઉદાહરણ.
૫. નકુળ  :  સરળતા, પ્રિયતા, સમભાવ,  સંપ અને સહકારની ઉચ્ચ ભાવના સાથે પોતાના સ્વભાવ મુજબ શોખ પોષનાર આનંદી માણસનું પ્રતીક.
૬. ભીમ  :  શક્તિ, સામર્થ્ય, સ્ત્રીદાક્ષિણ્ય, કુટુંબ પ્રત્યે સાચી નિષ્ઠા, જેવા સાથે તેવા, અન્યાયનો તુરત પ્રતિકાર, ભોજનપ્રિય, બહારથી કઠોર પણ અંદરથી કોમળ, મનમોજી, બીજાના દુ:ખ દૂર કરવામાં મજા માણનાર જગતનાં બધા કુટુંબો માટે પ્રેરણારૃપ મહાન યોદ્ધા.
૭. ભીષ્મ  :   ટેક, બ્રહ્મચર્ય, પિતૃપ્રેમ, વીર યોદ્ધા, બાહોશ રાજકર્તા, પાંડવો અને કૌરવો રૃપી ઘંટીના બે પડ વચ્ચે સતત પીસાતા, જમાનાના ખાધેલ, જ્ઞાાનના ભંડાર હોવા છતાં નિયતિના પ્રહારો વેઠતા કિંકર્તવ્યમૂઢ માણસનું પ્રતીક.
૮. કુંતામાતા : પાંચ પાંચ પરાક્રમી પુત્રો હોવા છતાં પરિવાર માટે એક મા એક પણ સુખ મન મુજબ ન ભોગવી શકનાર, ન કહેવાય- ન સહેવાયની મનોદશામાં વ્યથિત છતાં ખુમારી, ખુદ્દારી, ખાનદાની સાચવી લેનાર એક દ્રઢ માનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ.
૯. ધૃતરાષ્ટ્ર : માયામાં અંધ. સ્વાર્થ, સત્તા, લોભ, લાલચ, ઇર્ષાથી માણસ એકની પ્રાપ્તિ માટે સર્વસ્વ ગુમાવી દે છે  તેનું જ્વલંત ઉદાહરણ. જર જમીનને જોરૃ- ત્રણેય કજિયાના છોરૃ કહેવત અહી બરાબર સાર્થક થાય છે.
૧૦. ગાંધારી : રાગ અને ત્યાગન વચ્ચે હૈયું એ ઝૂલતું હતું-ની વ્યથા ભોગવનાર, પતિ અને પુત્રની પીડા સહનાર, સો પુત્રો હોવા છતાં દુ:ખી દુ:ખી, નારીનું ગૌરવ સાચવવામાં પોતાનું બધું ગુમાવનાર એક કરુણ પાત્ર.
૧૧. દુર્યોધન : કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સરનો સરવાળો કરો, જુગાર, અન્યાય, કપટ, દ્વેષ, વેર, અસત્ય, દગો- આ બધાનો ગુણાકાર કરો પછી જે સામે આવે તે દુર્યોધન. દુ:શાસન, શકુની- સંગ તેવો રંગ લાગે જ એના એક જનમાનસનું પ્રતીક છે. દુર્યોધન. ઉત્તમ યોદ્ધા તરીકે શ્રેષ્ઠ.
૧૨. કર્ણ : દાન, કાર્યનિષ્ઠા, મૈત્રી, પરાક્રમ, બાણાવળી, શૂરવીર, જેવા અસંખ્ય સદ્ગુણો હોવા છતાં પરાવલંબી અને ઉપકારના બોજા હેઠળ દબાયેલા માણસ ઉપર શું શું વીતી શકે છે એવા માણસનો માણસ પ્રિય માણસ.
૧૩. પાંડુ : અતિશય કામવાસના માણસના મોતનું પણ કારણ બની જાય છે. એનું આંખો ઉઘાડનારું દ્રષ્ટાંત.
૧૪. દ્રોણાચાર્ય : આચાર્યત્વનો પ્રબળ પ્રભાવ, વર્ણ પ્રાધાન્યથી એકલવ્યને નકારનાર, અન્નનું ઋણ સ્વીકારી અસ્વીકાર્ય બાબતો સ્વાર્થ માટે પરાણે કરનાર માનવ સહજ તમામ નબળાઇઓ વચ્ચે ઝઝૂમનાર માણસના પ્રતિનિધિ.
૧૫. વેદવ્યાસ : પાંડવો અને કૌરવોના દાદા. પરાશર- સત્યવતીના પુત્ર. પ્રખર પંડિત. વેદોનો વિસ્તાર કરનાર, મહાભારત લખનાર, ભારતના વંદનીય મહાન ઋષિ.
સ્થળ સંકોચના કારણે મર્યાદિત પાત્રોના ઉલ્લેખથી ક્ષમાપના. ગીતામાં ધર્મક્ષેત્ર પરમાત્મા છે, કુરુક્ષેત્ર એ આ પંચમહાભૂતોનું બનેલું શરીર છે, જીવાત્મા એનું પ્રતીક છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ, ગુદા, લિંગ, વાણી અને મન થકી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, દ્વેષ, કપટ, હિંસા જેવા દુર્ગુણો એ કૌરવો છે.
ધૃતરાષ્ટ્ર એ મોહમાયા છે, દુર્ગુણો સામે માણસે યુદ્ધ કરવાનું છે, ત્યારે જ સંજય રૃપી દિવ્યદ્રષ્ટિ જેવા પરમાત્મા શ્રીકૃષ્ણના શરણે અર્જુન જેવા શિષ્ય બનીને જવાનું છે એવો શ્રીમદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક કેટલો યથાર્થ છે ?
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ:
મામકા: પાંડવાશ્વૈવ કિમકુર્વત સંજય ?
જ્યાં પરમાત્મા પરમબ્રહ્મ સાક્ષાત્ શ્રીકૃષ્ણ યોગેશ્વર ભગવાન છે અને જ્યાં આજ્ઞાાંકિત શિષ્ય  જીવાત્મા સ્વરૃપ સંસારના યુદ્ધમાં લડનાર શ્રેષ્ઠ ધનુર્ધર છે ત્યાં જ લક્ષ્મી. વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે. એવો સારરૃપ શ્લોક સમગ્ર ભગવદ્ ગીતાનો સાર આપણને કહી દે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શબ્દ ધર્મક્ષેત્રે છે અને છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ મમ છે, અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું ? જવાબ છે આ બે શબ્દો વચ્ચેની ૭૦૦ શ્લોકોની શ્રીમદ્ ભગવદ્ગીતા. છે ને બે શબ્દોની કમાલ !! એટલે જ કહ્યું છે કે :
ગીતાયા: પુસ્તકં યત્ર નિત્યં પાઠે પ્રવર્તતે
તત્ર સર્વાણિ તીર્થાનિ પ્રયાગા દીનિ ભૂતલે
'જ્યાં ગીતાનાં પુસ્તકનો નિત્ય પાઠ થયા કરે છે ત્યાં પૃથ્વી ઉપરનાં પ્રયાગાદિ બધાં તીર્થો વસે છે.
જય શ્રીકૃષ્ણhttp://www.sivohm.com