હવે ધો-9થી 12માં સળંગ વર્ગદીઠ બે શિક્ષક મળશે



 રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૯થી ૧૨ના સળંગ એકમના શિક્ષકોના પ્રમાણમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ સળંગ એકમમાં માધ્યમિક માટે વર્ગદીઠ ૧.૫ શિક્ષક અને ઉચ્ચતર માધ્યમિક માટે વર્ગદીઠ ૨.૫ શિક્ષક મળતા હતા. પરંતુ હવે તેમાં ફેરફાર કરી શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૯થી ૧૨ માટે સળંગ વર્ગદીઠ ૨ શિક્ષકોનું પ્રમાણે કરી દીધું છે. આ નિર્ણયના પગલે માધ્યમિકમાં વર્ગદીઠ ૦.૫ શિક્ષકનો વધારો થયો છે જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં ૦.૫ શિક્ષકનો ઘટાડો થયો છે. જોકે સળંગ એકમના લીધે શિક્ષકોને ફાયદો થશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ ધોરણ-૯થી ૧૦ માધ્યમિકમાં અને ધોરણ-૧૧ અને ૧૨ ઉચ્ચતર માધ્યમિકમાં ગણાતા હતા. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૯થી ૧૨ને સળંગ એકમ ગણવાની યોજના દાખલ કરી હતી. આ ફેરફારના લીધે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો શૈક્ષણિક હેતુ માટે સળંગ શૈક્ષણિક કર્મચારી ગણાશે અને તેમના કાર્યબોજના માપદંડ યથાવત રહેશે તેવું નક્કી કરાયું હતું. પરંતુ શૈક્ષણિક કામગીરી વધુ સક્ષમ બને તે માટે જરૂરિયાત મુજબ શિક્ષકોને લાયકાતના વિષયને અનુરૂપ કાર્યબોજ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૯થી ૧૨ની શાળામાં માધ્યમિક વિભાગમાં શિક્ષકોનું પ્રમાણ વર્ગદીઠ ૧.૫ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વર્ગદીઠ ૨.૫ છે તેને બદલે ધોરણ-૯થી ૧૨ સુધી સળંગ વર્ગદીઠ ૨ શિક્ષકોનું પ્રમાણ શરતોને અનુસાર નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-૯થી ૧૨ના સળંગ એકમ છે તેમાં જ આ ફેરફાર લાગુ પડશે.

ધોરણ-૯થી ૧૨ની જે શાળાઓમાં હાલના પ્રમાણ મુજબ જો કોઈ શિક્ષક ફેરફાર કરવાને પાત્ર થતો ન હોય તો હાલના શિક્ષકોનું પ્રમાણ જાળવી રાખવાનું રહેશે. ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં સાયન્સમાં જો એક વર્ગ કે બે વર્ગની શાળા હોય અને તેમાં જો કોઈ મુખ્ય વિષયનો શિક્ષક પ્રમાણ કરતા ખુટતો હોય તો તેવી શાળાઓને તે વિષયો પૈકીનો એક વધારાનો શિક્ષક આપવાનો રહેશે.

ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ સ્કૂલમાં માધ્યમિકના ૩ વર્ગો અને ઉચ્ચતર માધ્યમિકનો ૧ વર્ગ મળી કુલ ૪ વર્ગ હોય તો અગાઉના નિયમ મુજબ તેમને માધ્યમિકના ૩ વર્ગ માટે ૪.૫ શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિકના એક વર્ગ માટે ૨.૫ શિક્ષક મળી કુલ ૭ શિક્ષક મળે. પરંતુ હવે નવી જોગવાઈ મુજબ ધોરણ-૯થી ૧૨માં સળંગ વર્ગદીઠ ૨ શિક્ષક મળતા હોઈ ૪ વર્ગ માટે ૮ શિક્ષકો મળે. આમ નવી જોગવાઈના પગલે સ્કૂલને વધારાનો એક શિક્ષક મળવાપાત્ર થાય છે.


પરિવર્તન
શિક્ષકોના પ્રમાણમાં ફેરફાર: અગાઉ માધ્યમિકમાં વર્ગદીઠ ૧.૫ અને ઉચ્ચતરમાં ૨.૫ શિક્ષકો મળતા હતા