વર્ગદીઠ છાત્રોની સંખ્યામાં ભારે ઘટાડો
|
ચાલુ વર્ષે શાળાઓનું પરિણામ ઓછું આવતા વર્ગો બંધ થવાની ભીતિથી શિક્ષણ વિભાગનો નિર્ણય
|
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના
વર્ગ વધારા-ઘટાડા, ગ્રાન્ટ કાપ અને સરાસરી હાજરી અંગેની નીતિમાં ફેરફાર
કર્યો છે. ચાલુ વર્ષે શાળાઓનું પરિણામ ઓછું આવતા મોટા પ્રમાણમાં સ્કૂલોના
વર્ગો બંધ થાય અને તેના લીધે શિક્ષકો ફાજલ પડે તેમ હોઈ વર્ગદીઠ
વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરતા અંદાજે દોઢ હજાર જેટલા શિક્ષકો ફાજલ
થતાં અટકશે. ઉપરાંત શહેરી વિસ્તારમાં ૮૦ ટકા સરાસરી હાજરીના કિસ્સામાં કોઈ
ગ્રાન્ટ કાપ નહીં થાય તેવો નિર્ણય લીધો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૫૫
ટકા સરાસરીની હાજરીના કિસ્સામાં સ્કૂલની ગ્રાન્ટ કપાશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં આવેલી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા, વર્ગ વધારા-ઘટાડા, ગ્રાન્ટ કાપ અને સરાસરી હાજરી અંગેની નીતિ નક્કી કરવામાં આવેલી છે. જેમાં શહેરી વિસ્તારમાં વર્ગદીઠ ૬૦ વિદ્યાર્થી અને વધારાના ૩૬ વિદ્યાર્થી થાય તો બીજો વર્ગ મંજૂર કરવાનો રહે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વર્ગદીઠ ૬૦ વિદ્યાર્થી અને વધારાના ૨૪ વિદ્યાર્થી થાય તો બીજો વર્ગ મંજૂર કરવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે શાળાઓનું પરિણામ ઓછું આવવાથી શાળાઓમાં મોટા પ્રમાણમાં વર્ગો બંધ થાય અને તેના લીધે અનેક શિક્ષકો ફાજલ પડે તેવી સંભાવના હતી. જેના લીધે તાજેતરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાલ પૂરતો પ્રવર્તમાન વર્ગદીઠ વિદ્યાર્થીની સંખ્યા તેમજ વધારાના વર્ગ મંજૂર કરવા માટેની વિદ્યાર્થી સંખ્યામાં ફેરફાર કરી શાળાનો વર્ગ બંધ ન થાય અને શિક્ષકોને ગોઠવી શકાય તેનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. જેના પગલે હાલની પ્રવર્તમાન વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા તેમજ બીજા વર્ગ માટેની વિદ્યાર્થી સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફેરફારના પગલે શહેરી વિસ્તારમાં વર્ગદીઠ વિદ્યાર્થીની સંખ્યા ૪૦ અને વધારાના ૩૦ વિદ્યાર્થીઓ થાય તો બીજો વર્ગ મંજૂર કરવાનો રહેશે. જ્યારે ગ્રામ્યમાં વર્ગદીઠ વિદ્યાર્થીની સંખ્યા ૪૦ અને વધારાના ૨૦ વિદ્યાર્થીઓ થાય તો બીજો વર્ગ મંજૂર કરવાનો રહેશે. આ ઉપરાંત સરાસરી હાજરીની ટકાવારી અને ગ્રાન્ટ કાપના માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં ૮૦ ટકા સરાસરી હાજરીના કિસ્સામાં કોઈ ગ્રાન્ટ નહીં કપાય. તે જ રીતે ગ્રામ્યમાં ૫૫ ટકા સરાસરી હાજરીના કિસ્સામાં ગ્રાન્ટ નહીં કપાય. શહેરી વિસ્તારમાં ૪૦ના વર્ગમાં ૮૦ ટકા સરાસરી હાજરી એટલે કે ૩૨ વિદ્યાર્થી હોય તો સ્કૂલની ગ્રાન્ટ કપાશે નહીં. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ૪૦ના વર્ગમાં ૫૫ ટકા સરાસરી હાજરી એટલે કે ૨૨ વિદ્યાર્થી હોય તો સ્કૂલની ગ્રાન્ટ કપાશે નહીં. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ અને સંકલન સમિતિના અગ્રણીઓએ સરાસરી હાજરી અને ગ્રાન્ટ કાપ અંગે બહાર પાડેલા ઠરાવનો આવકારતા જણાવ્યું હતું કે, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર અને સરાસરી હાજરીમાં ફેરફાર કરાયો છે તેના લીધે રાજ્યમાં દોઢ હજાર કરતા વધુ શિક્ષકો ફાજલ કે છુટા થતાં અટકી જશે. સરકારે આ ઠરાવ એક વર્ષ પુરતો લાગુ પાડ્યો છે પરંતુ તેને કાયમી કરવા સંકલન સમિતિએ માંગણી કરી છે. |