ધો-9 અને ધો-11 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ બદલાશે


જૂનથી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી નવો અભ્યાસક્રમ અમલમાં: ટૂંક સમયમાં પુસ્તકો પ્રિન્ટ કરવા માટે આપી દેવાશે
ધો-9 અને ધો-11 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ બદલાશે


ધોરણ11માં 50% અભ્યાસક્રમ બદલી દેવાયો: પુસ્તકો સમયસર મળી રહે તેવું આયોજન
નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-૯ અને ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહના નવા પુસ્તકો અમલમાં આવશે. ધોરણ-૯ અને ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહનો નવો અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે અને હવે ટૂંક સમયમાં પુસ્તકો પ્રિન્ટ માટે મોકલી દેવાશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળી રહે તેવું આયોજન કરવામાં

આવ્યું છે.


રાજ્યમાં જૂન-૨૦૧૬થી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહના નવા પુસ્તકો અમલમાં આવશે. ધોરણ-૯ અને ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહના પુસ્તકો ચાર-પાંચ વર્ષથી બદલાયા ન હોઈ નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે જે નવા સત્રથી અમલમાં આવશે. અભ્યાસક્રમ તૈયાર થઈ ગયા બાદ હવે ટૂંક સમયમાં આ પુસ્તકો પ્રિન્ટ માટે મોકલવામાં આવશે. આ સાથે અન્ય પુસ્તકો પણ ટૂંક સમયમાં જ પ્રિન્ટ માટે મોકલી દેવામાં આવશે તેમ પાઠ્ય પુસ્તક મંડળના સૂત્રોએ જણાવ્યું હોવાથી આ વખતે પાઠ્ય પુસ્તકો સમસયર બજારમાં આવી જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા નવા પુસ્તકો પ્રિન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં ટેન્ડરની કામગીરી પૂર્ણ થયા બાદ હવે ટૂંક સમયમાં જ નવા પુસ્તકો પ્રિન્ટ માટે મોકલી દેવામાં આવશે.પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકોમાં સમયાંતરે ફેરફાર પણ કરવામાં આવતો હોય છે. આ વખતે ધોરણ-૯ અને ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ બદલવામાં આવ્યો છે.

ધોરણ-૯નો અભ્યાસક્રમ ૨૦૧૧માં બદલાયો હતો જેના લીધે હવે ધોરણ-૯નો અભ્યાસક્રમ બદલવામાં આવ્યો છે. વિષય નિષ્ણાતો દ્વારા ધોરણ-૯નો નવાે અભ્યાસક્રમ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જ્યારે ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટસના પુસ્તકો પણ કેટલાક વર્ષોથી બદલાયા ન હોવાના લીધે તે પુસ્તકો પણ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહનો પણ નવો અભ્યાસક્રમ તૈયાર કરી દેવાયો છે. નવા પુસ્તકોમાં લગભગ ૫૦ ટકા જેટલો અભ્યાસક્રમ બદલી દેવામાં આવ્યો છે. જોકે ગણિત, સંસ્કૃત અને કોમ્પ્યૂટરના પુસ્તકોમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન હવે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ-૯ અને ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહના નવા અભ્યાસક્રમ આધારીત પુસ્તકો સાથે અન્ય પુસ્તકો પણ પ્રિન્ટ માટે મોકલવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પુસ્તકો પ્રિન્ટ માટે ટેન્ડર પાંચ- છ માસ પહેલા જ બહાર પડી ગયા હતા અને લગભગ ટેન્ડર ફાઈનલ પણ થઈ ગયું છે. જેથી હવે ટૂંક સમયમાં જ પ્રિન્ટ માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે.

પાઠ્ય પુસ્તકો પ્રિન્ટ માટે સમયસર મોકલી દેવામાં આવનાર હોઈ વેકેશન દરમિયાન ધોરણ-૯ અને ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહના નવા પુસ્તકો સાથે અન્ય પુસ્તકો પણ બજારમાં આવી જશે તેમ પુસ્તક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા મફત વિતરણના પુસ્તકો અને વેચાણ માટેના પુસ્તકો એમ બે પ્રકારના પુસ્તકો છાપવામાં આવે છે. મફત યોજના હેઠળ આપવાના પુસ્તકો પર સિક્કો મારવામાં આવે છે જેથી તે બજારમાં વેચી શકાતા નથી.