આવકવેરા મુકિત મર્યાદામાં રૂા.૪૦ હજારના વધારાની આશા

આવકવેરા મુકિત મર્યાદામાં રૂા.૪૦ હજારના વધારાની આશા
 કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી સોમવારે એટલે કે તા.૨૯મીએ દેશનું સામાન્ય બજેટ ૨૦૧૬–૧૭ રજૂ કરશે અને છેલ્લા એક મહિનાથી જે સંકેતો, અનુમાનો અને ચર્ચાઓ ચાલી રહ્યા છે તેનો અતં આવશે. ખાસ કરીને આવકવેરા મુકિત મર્યાદાને લઈને જાતજાતના અહેવાલો બહાર આવ્યા છે અને છેલ્લે મળેલા સંકેતો એમ બતાવે છે કે નાણામંત્રી નાના કરદાતાઓને ખુશ કરવા માટે આવકવેરા મુકિત મર્યાદામાં રૂા.૪૦ હજારનો વધારો કરશે તેવી શકયતા છે. રૂા.૩ લાખ કરછૂટસીમા કરવાની માગણી સામે નાણામંત્રી ૨.૯૦ લાખ રૂપિયા સુધીની સીમા નિર્ધારિત કરશે તેવી સંભાવના દેખાઈ રહી છે.
સરકારના ઉચ્ચ સ્તરીય વર્તુળોએ આપેલી માહિતી મુજબ બજેટ માટે રચાયેલી કોર કમિટીએ આવકવેરા મુકિત મર્યાદાને સુધારવાનું સુચન કયુ છે અને નાના કરદાતાઓને લાભ આપવાની ભલામણ કરી છે.
અત્યારના આવકવેરાના માળખા મુજબ રૂા.૨.૦૫ લાખથી રૂા.૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકા ટેકસ આપવો પડે છે. ૧૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને રૂા.૧૦ લાખથી વધુની આવક ૩૦ ટકા ટેકસ ચૂકવવો પડે છે. હવે નાના કરદાતાઓ છેલ્લા ઘણા સમયથી મીટ માંડીને બેઠા છે ત્યારે બજેટની કોર કમિટીએ નાના કરદાતાઓના લાભ માટે મુકિત મર્યાદા રૂા.૪૦ હજાર વધારી દેવાની ભલામણ કરી છે. હવે અઢી લાખને બદલે ૨.૯૦ લાખની આવક પર જ ટેકસ વસૂલવામાં આવે તેવી ભલામણ જો નાણામંત્રી સ્વીકારશે તો સોમવારે નાના કરદાતાઓ ખૂબ જ રાજી થઈ જશે.
જો કે આ પહેલાં જેટલીએ એમ કહી દીધું હતું કે લોકપ્રિય બજેટ આપવું અત્યારે સરકારને પોષાય એમ નથી. બીજી બાજુ પાછલા બજેટમાં કોર્પેારેટ ટેકસમાં ઘટાડો કરવાથી મોદી સરકારની ઈમેજ કોર્પેારેટ તરફી બની ગઈ હતી અને તેને પણ સુધારવી જરૂરી છે. હવે આ મુંઝવણ વચ્ચે નાણામંત્રી રૂા.૪૦ હજારનો વધારો મર્યાદામાં કરે છે કે નહીં તે જોવાનું રહેશે અને તેના તરફ સમગ્ર દેશની મીટ મંડાઈ છે.
દરમિયાનમાં નાણામંત્રી નેશનલ પેન્શન સ્કીમમાં પણ કરરાહતો જાહેર કરે તેવી શકયતા છે. રોકાણ વધારવા અને રોકાણને વધુ લાભપ્રદ બનાવવાનો એમનો વિચાર છે. એનપીએસ એટલે કે રાષ્ટ્ર્રીય પેન્શન યોજનાની મેચ્યોરિટી પર કોઈ કર નહીં લેવાની દરખાસ્ત પર તેઓ વિચાર કરી રહ્યા છે. આમ લાંબા રોકાણ પર કરછૂટ આપવાની કોશિશ થશે તેવી સંભાવના છે.