ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ એટલે બ્રહ્માંડના સર્જનનાં રહસ્યોની ચાવી

અંતરીક્ષમાં ગુરુત્વાકર્ષણનાતરંગો સર્જાય છે એવી ૧૦૦ વરસ પહેલાં કરેલી તેમની આગાહી આજે સંપૂર્ણ સાચી ઠરી છે. સાથોસાથ,આ મહાન શોધના પગલે હવે બ્રહ્માંડમાં ક્યાં અને કેવી રીતે વિરાટ કદનાં બ્લેક હોલ્સ તથા ન્યુટ્રોન સ્ટાર બને છે તેની અદભૂત જાણકારી મળી શકશે.  ખગોળ વિજ્ઞાાન માટે આ સિદ્ધિ આ સદીની સૌથી મોટી અને મહત્વની ગણાશે.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફ્ન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઇએફઆર)ના સિનિયર ખગોળશાસ્ત્રી ડો,મયંક વાહિયાએ ગુજરાત સમાચારને એક ખાસ ટેલિફોનિક ઇન્ટર્વ્યુમાં આવો ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.
લીગોનો પ્રયોગ શું હતો?
અમેરિકાની કેલીફોર્નિયા યુનિવર્સિટી,મેસેચ્યુસેટ ઇન્સ્ટિટયુટ  અને લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવીટેશનલ વેવ  ઓબ્ઝર્વેટરી(લીગો)ના  વિજ્ઞાાનીઓએ લગભગ ત્રણ હજાર કિલોમીટરના અંતરે બે વિશિષ્ટ પ્રકારનાં અને એલ આકારનાં ડિટેક્ટર્સ ગોઠવ્યાં હતાં.એક ડિટેક્ટર લિવિંગ્સ્ટન અને લ્યુસિયાનામાં અને બીજું વોશિંગ્ટન નજીકના હેનફોર્ડમાં ગોઠવ્યું હતું. મોટા કદના પાઇપ જેવા આ બંને ડિટેક્ટર્સમાં શૂન્યાવકાશવાળી ચેમ્બર્સ પણ હતી.૧.૩ અબજ પ્રકાશવર્ષ દૂરના અંતરે બે વિરાટ કદનાં બ્લેક હોલ્સ વચ્ચે ભયાનક ટકરાવ થયો અને પરિણામે બંનેનાં અતિ વિપુલ દળ પણ એકબીજામાં સમાઇ ગયાં.આ અજીબોગરીબ ઘટનાથી જે મહા વિસ્ફોટ થયો અને ગુરુત્વાકર્ષણનાં તરંગો સર્જાયા તે ધીમે ધીમે પ્રવાસ કરતાં કરતાં ૧.૩ અબજ વર્ષ બાદ ૧૪ સપ્ટેમ્બર,૨૦૧૫ના યાદગાર દિવસે  આપણી પૃથ્વીમાંથી પસાર થતાં હતાં ત્યારે આ બંને ડિટેક્ટર્સમાં ઝીલાઇ ગયાં હતાં.
ગુરુત્વાકર્ષણના તરંગો એટલે શું ?
જાણીતા ખગોળશાસ્ત્રી અને ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે.જે.રાવલે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે બ્રહ્માંડ રબરની એક મોટી ચાદર જેવું છે.હવે તે ચાદરને બે કે ચાર વ્યક્તિ જોરથી હલાવે તો તે વાંકીચૂંકી અને આડીઅવળી થાય અને તેમાંથી જે તરંગો નીકળે તેવા તરંગો ગુરુત્વાકર્ષણના હોય.જોકે ગુરુત્વાકર્ષણના તરંગો બહુ મંદ અને ધીમા હોવાથી તેને ઝીલી ન શકાય.વળી,આવા તરંગો કાંઇ નાના આકાશીપીંડોની ટક્કરથી ન થાય પરંતુ અતિ અતિ વિરાટ કાય બ્લેકહોલ્સ કે આકાશગંગામાં ટકરાવ થાય તો જ સર્જાય,નહીં તો નહીં.
વિશ્વ વિખ્યાત ખગોળ-ભૌતિકશાસ્ત્રી ડો.જયંત નાર્લીકરે જણાવ્યું હતું કે આ અજીબોગરીબ ઘટના  હાથીની પીઠ પર નાનકડી માખી બેઠી હોય તેવી છે.માખી હાથી પર જરૃર બેઠી છે પરંતુ મહાકાય હાથીને તેની અસર કે અનુભવ ભાગ્યેજ થાય છે.આમ છતાં આ શોધના પગલે આપણને બ્રહ્માંડના સર્જન સમયે ખરેખર શું અને કેવું બન્યું હશે તથા તેનો વિકાસ કેવી રીતે થયો હશે તેની વિશિષ્ટ જાણકારી મળી શકશે. ડો.મયંક વાહિયાએ જણાવ્યું હતું કે લેઝર કિરણોની મદદથી અતિ સુક્ષ્મ માપ પણ લઇ શકાતું હોવાથી આવો લેઝરનો પ્રયોગ થયો છે.વળી,હવે બ્રહ્માંડમાં  બ્લેકહોલ્સ અને ન્યુટ્રોન સ્ટાર કઇ રીતે બનતા હશે અને ત્યાં કેવી પ્રક્રિયા થતી હશે તેની આગોતરી જાણકારી પણ મળી શકશે.