ઈપીએફઓ પહેલી મેથી એક કર્મચારી, એક ઈપીએફ ખાતુંયોજનાનો અમલ કરવા જઈ રહ્યું છે. ઈપીએફઓના મતે તેનાથી લોકો સમય કરતાં વહેલા ભવિષ્ય નિધિ(પીએફ) ઉપાડશે નહીં અને રાજ્ય સરકારોને તેની પેન્શન પ્રાણાલી સાથે જોડવા માટે પ્રેરણા આપશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઈપીએફઓ)એ ૨૧ એપ્રિલે યોજાયેલી એક આંતરિક બેઠકમાં આ નિર્ણય લીધો છે. દરેક કર્મચારીનું એક જ ખાતું હોવું જોઈએ તેવો સર્વસંમત નિર્ણય હતો. કેન્દ્રીય પીએફ કમિશનર વી.પી. જોયે પીએફ ઉપાડના નિયમમાં ફેરફાર અને તેને કારણે થયેલા વિવાદ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે કર્મચારીઓ અને કંપનીઓ કે ટ્રસ્ટ વચ્ચે અસરકારક સંવાદની જરૂર છે. કર્મચારીઓ નોકરી બદલે એટલે તેમના પીએફ એકાઉન્ટ બદલાવા પડે છે. આ સમસ્યાનો સારી સેવા અને સરળ માધ્યમથી ઉકેલ લાવી શકાય છે. તેમણે કહ્યું કે કંપનીઓ અને કર્મચારીઓને તેમના વ્યક્તિગત પ્રોફાઈલ સાથે જોડાયેલી રકમની સુવિધા હોવી જોઈએ. > જોયે કહ્યું કે સર્વિસમાં સુધારો અને વધુ સારી પેન્શન વ્યવસ્થાનો અર્થ એ હશે કે પેન્શન સેવા માટે અલગ ચેનલ-અલગ વ્યવસ્થા શરૂ કરી શકાય છે. ઈપીએફઓ સર્વિસ અને યોજનાઓ કર્મચારીઓ માટે વધુ સાનુકૂળ બનાવાય તો રાજ્ય સરકારોને પણ ઈપીએફ પેન્શન પ્રણાલી સાથે જોડવાનું કામ સરળ થઈ શકે. તેમણે કહ્યું કે તેમના તમામ કર્મચારીઓને ૧ મેથી એક કર્મચારી, એક ઈપીએફ ખાતુંયોજના લાગુ કરવાનો ઠરાવ કર્યો છે.