ધો.10માં OMR સિસ્ટમે વાક્યોમાં
જવાબ લખવાનું ભૂલાવી દીધું
# ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનમાં 50માંથી 17 માર્ક લાવવામાં ફાંફાં
ઉત્તરવહી મૂલ્યાંકન કરતા શિક્ષકોના મત મુજબ વિદ્યાર્થીઓનું પાર્ટ-બીમાં કંગાળ પ્રદર્શન
નવગુજરાત સમય > અમદાવાદ

-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષામાં 2011થી OMR સિસ્ટમનો અમલ શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓમાં લખવાનો મહાવરો ઓછો થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે પાર્ટ-બીના ભાષા સહિતના પેપરમાં વિદ્યાર્થીઓ યોગ્ય રીતે લખી શકતા ન હોઈ તેમના પરિણામ પર અસર પડે છે. માર્ચ-2016માં લેવાયેલી પરીક્ષા દરમિયાન પણ ઘણાં વિદ્યાર્થીઓ ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં પાર્ટ-બીમાં યોગ્ય રીતે લખી શક્યા ન હોવાનું ઉત્તરવહી તપાસતા શિક્ષકોએ જણાવ્યું હતું. જેના પગલે આ બે વિષયમાં પાર્ટ-બીમાં 50માંથી 17 માર્ક મેળવવા માટે પણ વિદ્યાર્થીઓને ફાંફા પડ્યા હતા. જોકે OMRમાં સરળતાથી માર્ક મળી જતાં હોઈ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા 2011માં ધોરણ-10ની પરીક્ષા બે ભાગમાં લેવાનું નક્કી કરાયું હતું. જેમાં પાર્ટ-એમાં 50 ગુણના પ્રશ્નો OMR આધારિત હોય છે. જેમાં માત્ર વિદ્યાર્થીઓએ ચારમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો હોય છે. જ્યારે પાર્ટ-બીમાં 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક હોય છે. જોકે પરીક્ષામાં પાસ થવા માટે માત્ર 33 ગુણ જ જોઈતા હોવાથી વિદ્યાર્થી OMR આધારિત વિભાગમાં તૈયારી કરી લેતા હોય છે.

દરમિયાન તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાની ઉત્તરવહી તપાસવા માટે ગયેલા કેટલાક શિક્ષકોના મત મુજબ ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનમાં પાર્ટ-બીમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. વિદ્યાર્થીઓને લખવાનો મહાવરો ન હોય તે પ્રમાણે તેમણે જવાબો લખ્યા હોવાનું જણાય છે અને તેની પાછળ OMR આધારિત પરીક્ષા પધ્ધતિ જવાબદાર હોય તેમ જણાય છે. ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનમાં પાર્ટ-બીમાં 50માંથી 17 માર્ક લાવવામાં પણ વિદ્યાર્થીઓને ફાંફાં પડ્યા હતા. શિક્ષકોના મત મુજબ અંદાજે 50 ટકા વિદ્યાર્થીઓ પાર્ટ-બીમાં 17 ગુણ લાવી શક્યા નથી.