૭મું વેતનપંચઃ મીનીમમ પે રૂ.ર૦,૦૦૦ થશેઃ જુનમાં કેબીનેટ દ્વારા મંજુરીઃ ૧-૧-ર૦૧૬થી ડીએ વૃદ્ધિના ઓર્ડર નીકળ્‍યા કર્મચારીઓને ૧૯ ટકા જેટલો પગાર વધારો મળે તેવી પુરેપુરી શકયતા

નવી દિલ્‍હી તા.૮ : કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ૭મુ વેતનપંચ ખુશખબર લઇને આવશે. તેઓને હાલ મળતા મીનીમમ પગારમાં ૧૯ ટકાનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. કેન્‍દ્રીય કેબીનેટ જુન મહિનામાં વેતનપંચની ભલામણોને મંજુરી આપશે.
   મળતા અહેવાલો મુજબ સચિવોની એમ્‍પાવર્ડ કમીટી મીનીમમ પે રૂ.ર૦,૦૦૦ની દરખાસ્‍ત કરે તેવી શકયતા છે. ૭માં વેતનપંચમાં રૂ.૧૮,૦૦૦ મીનીમમ પે ની દરખાસ્‍ત થઇ હતી. હાલ મીનીમમ પે રૂ.૭૦૦૦ છે. જયારે મહત્તમ પે હાલ રૂ.૯૦,૦૦૦ છે તે વધારીને રૂ.ર.પ૦ લાખ કરવા ભલામણ થઇ છે.
   અત્રે એ નોંધનીય છે કે, કેન્‍દ્રીય કર્મચારીના યુનિયનો મીનીમમ પે રૂ.ર૬,૦૦૦ કરવાની માંગણી કરી રહ્યા છે. મળતા અહેવાલ મુજબ ૭માં વેતનપંચની ભલામણો સેલેરી ઇન્‍ક્રીમેન્‍ટ લઇને આવશે કે જે જુલાઇ મહિનામાં ડયુ થતુ હોય છે.
   રિવાઇઝડ પે સ્‍ટ્રકચર અનુસાર ૭માં વેતનપંચની ભલામણોથી તિજોરી ઉપર રૂ.૧.૦ર લાખ કરોડનો બોજો પડશે. સરકારે બજેટમાં ૭૦,૦૦૦ કરોડની જોગવાઇ કરી છે.
   મીનીમમ પે રિવાઇઝડ કરવા ભલામણ થઇ છે જેમાં એચઆરએ ર૪ ટકા, ૧૬ ટકા, ૮ ટકા ચુકવાશે જે અનુક્રમે વર્ગ-એકસ, વાય અને ઝેડ કેટેગરીના શહેરો માટે લાગુ થશે. પંચે એવી ભલામણ કરી છે કે, જયારે ડીએ પ૦ ટકાને ક્રોસ કરી જાય તે પછી એચઆરએનો રેટ ર૭ ટકા, ૧૮ ટકા અને ૯ ટકા રહેશે. જો કે એચઆરએ ઉપર કોઇ એરીયર્સ નહી ચુકવાય.
   દરમિયાન ૧-૧-ર૦૧૬થી ડીએ ૧રપ ટકા આપવાના ઓર્ડર બહાર પડી ગયા છે. હવે પછીનો ડીએનો વધારો ૭માં વેતનપંચના નવા સ્‍કેલ મુજબનો રહેશે