દેશમાં ૨૨ યુનિવર્સિટી નકલી હોવાનું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સ્વીકાર્યું

રાજ્યસભામાં એક સવાલનો લેેખિત જવાબ આપતા માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે દેશમાં ૨૨ યુનિવર્સિટી નકલી છે. યુજીસીએ નકલીની યાદીમાં મૂકેલી યુનિવર્સિટીઓના તેમણે નામ જાહેર કર્યા હતા અને એ તમામ સામે પગલા ભરાશે એવું કહ્યું હતું.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં કહ્યું હતું કે યુજીસીએ દેશના અલગ અલગ રાજ્યોની કુલ ૨૨ યુનિવર્સિટીને નકલી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ ૯ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશની છે અને ૫ યુનિવર્સિટી દિલ્હીની છે. આ સિવાય બે યુનિવર્સિટી પશ્વિમ બંગાળની છે. બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશાની એક એક યુનિવર્સિટી નકલીની યાદીમાં છે.  આવી યુનિવર્સિટીઓ વિરૃદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્ય સરકારોને તેની જાણ કરવામાં આવી છે એમ તેમણે લેખિત જવાબમાં ક્હયું હતું. કેન્દ્ર સરકારે હજુ સુધી કેમ પગલા ભર્યા નથી એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે જે તે યુનિવર્સિટી માટે કાયદો અને વ્યવસ્થા માટે રાજ્ય સરકારો જવાબદાર છે અને એ તેમના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી કેન્દ્ર સરકારે તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં એ કારણે આવી યુનિવર્સિટીની યાદી રાજ્ય સરકારોને પાઠવી દેવામાં આવી છે અને તે આગળની કાર્યવાહી કરશે.
તેમણે ભારતના વિદેશ ભણવા માંગતા વિદ્યાર્થીઓને સરળતા રહે એ માટેની જાહેરાત કરતા કહ્યું હતું કે તેમનું મંત્રાલય વિદેશ મંત્રાલયના સંપર્ક રહીને વિદેશની નકલી યુનિવર્સિટીઓની યાદી મેળવી રહી છે અને એ યાદી મળી જશે એટલે તમામ રાજ્યોને આપી દેવામાં આવશે. જેથી આવી યુનિવર્સિટીમાં જઈને ભારતના વિદ્યાર્થીઓને છેતરાવાનો વારો ન આવે. જોકે, વિદેશી નકલી યુનિવર્સિટીની યાદી ક્યાં સુધીમાં રાજ્ય સરકારોને મળી જશે? એવા સવાલના જવાબમાં તેમણે કોઈ સમયમર્યાદા આવવાનો નનૈયો ભણ્યો હતો.


દેશની કઈ કઈ યુનિવર્સિટી નકલીની યાદીમાં છે?
યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી- દિલ્હી
કમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ-દિલ્હી
વોકેશ્નલ યુનિવર્સિટી-દિલ્હી
એડીઆર-સેન્ટ્રિક જ્યુરિડિકલ યુનિવર્સિટી-દિલ્હી
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ-દિલ્હી
મૈથિલી યુનિવર્સિટી- બિહાર
બીએસડબલ્યુઓ યુનિવર્સિટી-બિહાર
સેન્ટ જ્હોન યુનિવર્સિટી-કેરળ
રાજા અરેબિક યુનિવર્સિટી-મહારાષ્ટ્ર
ડીડીબી સંસ્કૃત યુનિવર્સિટી-તમિલનાડુ
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન-કોલકાત્તા
વારાણ્સ્યા સંસ્કૃત યુનિવર્સિટી- ઉત્તર પ્રદેશ
જગતપુરી ગ્રામ વિદ્યાપીઠ- ઉત્તર પ્રદેશ
ગાંધી હિન્દી વિદ્યાપીઠ-ઉત્તર પ્રદેશ
સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી-ઉત્તર પ્રદેશ
મહારાણા પ્રતાપ શિક્ષાવિદ્યામંદિર- ઉત્તર પ્રદેશ
શિક્ષા પરિષદ યુનિવર્સિટી- ઉત્તર પ્રદેશ

 http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-union-minister-smriti-irani-accepted