દરેક કોલેજો- યુનિ.ઓને પોતાના કોર્સ વેબસાઇટ પર જાહેર કરવા આદેશ
આદેશનું પાલન ન કરનારી સંસ્થાએ જે પરિસ્થિતિ ઊભી થાય તેની જવાબદારી સ્વીકારવી પડશે


-
ગુજરાતમાં હાલમાં દરેક યુનિવર્સિટીઓમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે. દરેક યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને નવા નવા કોર્સમાં પ્રવેશ લેવા અંગેની જાહેરાત ઓફર કરવામાં આવતી હોય છે. કોલેજો, સંસ્થાઓ અને ખાનગી યુનિવર્સિટી દ્વારા ઓફર કરાતા કોર્સ પૈકી વિદ્યાર્થીઓ કોઇ ખોટા કોર્સમાં પ્રવેશ મેળવીને છેતરાઇ નહીં તે માટે સરકાર દ્વારા દરેક યુનિવર્સિટીઓને તાકીદે પોતાની સંલગ્ન કોલેજોને તમામ વિગતો વેબસાઇટના માધ્યમથી જાહેર કરવા આદેશ કર્યો છે.

અમદાવાદમાં તાજેતરમાં શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા ચલાવવામાં આવતાં કેટલાક કોર્સ ગેરકાયદે હોવાના મુદ્દે ભારે વિવાદ થયો હતો. આ પ્રકરણમાં સરકાર દ્વારા ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ પોતાના અહેવાલમાં સંસ્થા દ્વારા ચલાવવામાં આવતાં કોર્સ ગેરકાયદે હોવાની પુષ્ટી આપી હતી. જેના આધારે વિદ્યાર્થીઓને ફી પરત આપવાની પણ ભલામણ કરવામાં આવી હતી. આ પ્રકરણ પછી હાલ ધો.૧૦ અને ૧૨ના પરિણામ જાહેર થયા બાદ હાલ તમામ સ્તરે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અનેક વખત લોભામણી લાલચોમાં ફસાતા હોય છે. પ્રકારની સ્થિતિ ઊભી ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા રાજયની દરેક યુનિવર્સિટીઓને ખાસ પરિપત્ર મોકલ્યો છે. જેમાં એવી તાકીદ કરવામાં આવી છે કે, હાઇકોર્ટમાં અમાન્ય સંસ્થાઓ, સેન્ટરો ચાલતા હોવાનું અને વિદ્યાર્થીઓને બોગસ અમાન્ય અભ્યાસક્રમોમાં એડમિશન લેવા પડે તે મતલબની રિટ પિટિશન દાખલ થઇ છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજયની શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ચલાવવામાં આવતાં માન્ય અભ્યાસક્રમોની અદ્યતન યાદી જે તે યુનિવર્સિટી અને સંબંધિત કોલેજોની વેબસાઇટ પર પ્રસિધ્ધ થાય તે માટેની કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિપત્રમાં એવી તાકીદ પણ કરવામાં આવી છે કે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી સૂચનાની અવગણનાના કારણે જે કોઇ પરિસ્થિતિ ઉભી થાય તેની જવાબદારી જે તે યુનિવર્સિટી અને કોલેજની રહેશે. આમ, શિક્ષણ વિભાગના પરિપત્રના કારણે હવે દરેક યુનિવર્સિટી અને કોલેજો દ્વારા ચલાવવામાં આવતાં તમામ કોર્સની વિગતો વેબસાઇટ પર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
વિદ્યાર્થીઓને ખોટા કોર્સમાં પ્રવેશ મેળવતા રોકવા પરિપત્ર