ડિગ્રી -ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. ચાલુ વર્ષે સળં૯ ત્રણ રાઉન્ડ ઓનલાઇન અને એક વખત ઓફલાઇન રાઉન્ડ કર્યા પછી પણ અંદાજે ૧ લાખ કરતાં વધારે બેઠકો ખાલી પડી છે. ગયા વર્ષની સરખામણીમાં અંદાજે ચાર હજાર જેટલી બેઠકો વધારે ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો હવે આગામી વર્ષ સુધી ખાલી રહેશે. આમ, ટેકનિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે બેઠકો વધારે હોવાના કારણે સળંગ ત્રીજા વર્ષે બેઠકો ખાલી પડી છે.

ડિગ્રી ઇજનેરીમાં કુલ મળીને ૬૮ હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ હતી જે પૈકી સ્ટેટ કવોટાની બેઠકો પર પ્રવેશ સમિતિ દ્વારા અને મેનેજમેન્ટ કવોટાની બેઠકો પર સંચાલકો દ્વારા પોતાની રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી પૂર્ણ થઇ ત્યારે ડિગ્રી ઇજનરીમાં ૨૯૫૩૪ જેટલી બેઠકો ખાલી પડી હતી. આજ રીતે ડીપ્લોમાથી ડીગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ ૨૬ હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. ડિગ્રી ઇજનેરી સહિતની કોર્સની પ્રવેશ કાર્યવાહી કરતી સમિતિ પાસે જુદા જુદા કોર્સની અંદાજે ૮૧ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. આજ રીતે ડિપ્લોમા ઇજનેરી પ્રવેશ સમિતિ પાસે પણ અંદાજે ૨૦ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. સૂત્રો કહે છે સામાન્ય રીતે ખાલી પડેલી બેઠકો ભરવા માટેની સત્તા કોલેજ સંચાલકોને સોંપી દેવામાં આવતી હોય છે. આ વખતે આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી છે. ખાલી બેઠકો ભરવા માટે સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી કોલેજને સંચાલકોએ ફ્રી શીપ કાર્ડ ધરાવતાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા હતા. કેટલીક કોલેજોએ લાયકાત ન ધરાવતાં હોય તેવા વિદ્યાર્થીઓને પણ બારોબાર પ્રવેશ આપ્યાની ફરિયાદ બહાર આવી હતી. જેના પગલે સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિમાં રૂબરૂમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ ગેરલાયક ઠર્યા હતા. સૂત્રો કહે છે ડિપ્લોમા અને ડિગ્રી ઇજનેરીમાં ખાલી પડેલી બેઠકો માટે હવે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી. હાલમાં વિદ્યાર્થીઓની ફી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.