વિદ્યાર્થીઓ આનંદોઃ 2017ની NEET ગુજરાતીમાં લેવાશે


વિદ્યાર્થીઓ આનંદોઃ 2017ની NEET ગુજરાતીમાં લેવાશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત

 ગુજરાતમાં મેડિકલ-ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે આગામી ૨૦૧૭ના વર્ષમાં લેવાનારી NEETની પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. તેવી જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. સરકારની સત્તાવાર જાહેરાતને પગલે હજારો વાલીઓ-વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે.પી.નડ્ડાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર પાઠવીને કેન્દ્ર સરકારના આ નિર્ણયની જાણ કરી છે. આગામી વર્ષે લેવાનારી NEETની પરીક્ષા ગુજરાતીમાં લેવાય તે માટેની તમામ કામગીરી કેન્દ્ર સરકારે પૂર્ણ કરી લીધી છે. આ નિર્ણયને પગલે રાજ્યના ૬૦થી ૬૨ હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાને શુક્રવારે મોડી સાંજે કેન્દ્ર સરકારના નિર્ણયની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહના ધો-૧૨ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની આ પરીક્ષા માતૃભાષા ગુજરાતીમાં લેવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે મુખ્યપ્રધાને કેન્દ્રીય આરોગ્ય અને માનવ સંસાધન વિભાગ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી.