ડીઈઓની સૂચનાની અવગણના કરતી સ્કૂલોની માન્યતા રદ થશે સ્કૂલોએ હવે નિયત સમયમાં ડીઈઓ કચેરીને માહિતી મોકલવી પડશે પરિપત્રોનો અમલ કે માહિતી મોકલાતી ન હોવાથી સરકારની લાલ આંખ

શિક્ષણ બોર્ડ તથા ડીઈઓ કચેરી દ્વારા તેમના તાબાની સ્કૂલો પાસે અવારનવાર જાહેરનામા, ઠરાવો, પરિપત્રો મોકલી તેનો અમલ કરવા જણાવાય છે. ઉપરાંત સ્કૂલો પાસેથી માહિતી માંગવામાં આવતી હોય છે. પરંતુ ઘણી સ્કૂલો સરકારી પરિપત્રોનો અમલ કરતી નથી અને માંગવામાં આવેલી માહિતી પણ નિયત સમયમાં મોકલતી નથી. જેની સામે શિક્ષણ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને હવે સૂચનાઓનું ઉલ્લંઘન કરનાર સ્કૂલ સામે માન્યતા રદ સુધીના પગલાં લેવામાં આવશે. સરકારના કડક વલણ બાદ હવે સ્કૂલો નિયત સમયમાં માહિતી મોકલતી થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ડીઈઓ કચેરી દ્વારા સરકારના જાહેરનામ, ઠરાવો, પરિપત્રો કે સરકારની સૂચનાઓનું તેમજ શાળાની માન્યતાની શરતોનું પાલન કરવા અવારનવાર જણાવવામાં આવે છે. તેમ છતાં ઘણી સ્કૂલો ડીઈઓ કચેરી દ્વારા માંગવામાં આવતી માહિતી નિયત સમયમર્યાદામાં આપતી નથી. ઉપરાંત સ્કૂલોની માન્યતાની શરતોનું પણ પાલન કરવામાં આવતું નથી. આવી સ્કૂલોમાં કચેરી દ્વારા માંગવામાં આવતી માહિતી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તેમજ માન્યતાની શરતોનું પાલન કરવાની તમામ શાળાના આચાર્ય અને સંચાલક મંડળની જવાબદારી નક્કી કરવામાં આવેલી છે.

આમ, સ્કૂલો દ્વારા ડીઈઓ કચેરી ખાતેથી માંગવામાં આવતી માહિતી આપવામાં ખૂબ જ બેદરકારી દાખવવામાં આવતી હોઈ હવે ડીઈઓ કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ મુદ્દે ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી કડક ચીમકી ઉચ્ચારી છે. જેમાં વારંવાર કચેરીની સૂચનાઓનું ઉલ્લંઘન અને અનિયમિતતાઓ આચરવામાં આવે તેવી શાળાઓ હવે આ કચેરીના ધ્યાને આવશે તો સ્કૂલને આપવામાં આવેલી એન.ઓ.સી. રદ કરવા સંબંધિત બોર્ડને તે શાળાની માન્યતા રદ કરવા કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આમ, હવે જે સ્કૂલો ડીઈઓ કચેરી દ્વારા આપવામાં આવતી સૂચનાઓને કચરા ટોપલીમાં નાંખી દેતી હતી, તેમને હવે આ સૂચનાઓને ખૂબ જ ગંભીરતાથી લેવાની ફરજ પડશે અને નિયત સમયમાં તમામ માહિતી મોકલી આપવી પડશે. વારંવાર સૂચનાઓના ભંગ બદલ આવી સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી ડીઈઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે.🔵