રાજ્યની 5300 ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, શૈક્ષણિક સ્ટાફને 7મું પગારપંચ ચૂકવાશે


રાજ્યની 5300 ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, શૈક્ષણિક સ્ટાફને 7મું પગારપંચ ચૂકવાશે
 જાન્યુઆરી 2016થી જુલાઇ 2017સુધીનું એરિયર્સ હવે પછી નિર્ણય કરી પાંચ હપતામાં ચૂકવાશે
તા.1 ઓગસ્ટથી નવાં ધોરણો મુજબ 70 હજારથી વધારે કર્મચારીઓને પગાર ચૂકવાશે


સરકારના નિર્ણય બાદ આજે સમિતિની બેઠક

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકી અને પ્રવક્તા પંકજ પટેલે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને ૧-૧-૨૦૧૬થી સાતમા પગારપંચના અમલીકરણની જાહેરાત કરાઈ છે અને ૧ ઓગસ્ટથી તેનો અમલ થશે. જેને સંકલન સમિતિ દ્વારા આવકારવામાં આવે છે. શનિવારે રાજ્ય સંકલન સમિતિના હોદ્દેદારોની ગાંધીનગર ખાતે બપોરે એક વાગે મિટીંગ મળશે, જેમાં વિચાર-વિમર્શ કરી આગામી કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરાશે.


-
ગુજરાતની ૫૩૦૦ જેટલી ગ્રાન્ટેડ હાઇસ્કૂલના શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારે કર્યો છે તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શુક્રવારે સાંજે જાહેર કર્યું હતું. આ નિર્ણયથી ૧ ઓગસ્ટ, ૨૦૧૭થી ૭૦ હજારથી વધારે કર્મચારીઓને નવા પગારનો લાભ મળતો થશે.

પત્રકારો સાથેની વાતચીતમાં પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજયભાઇ રૂપાણીએ પદભાર સંભાળ્યા પછી પ્રથમ કેબિનેટમાં રાજ્ય સરકારના પાંચ લાખ કર્મચારીઓ, પેન્શનર્સને સાતમા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ જ રીતે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને આપવા માટે ગ્રાન્ટેબલ શૈક્ષણિક સંસ્થાઓના સંગઠનો, ધારાસભ્યોએ મુખ્યપ્રધાન રૂપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાણાંપ્રધાન તરીકે નીતિન પટેલને રજૂઆતો કરીહતી.. આ રજૂઆતોના સંદર્ભે આજે આ નિર્ણય લેવાયો છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ૫૩૦૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે. તેના લગભગ ૭૦ હજારથી વધારે કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૧૬થી સાતમા પગાર પંચનો લાભ મળતો થશે. ૧ ઓગસ્ટથી હવે શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફને નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવાશે. જ્યારે જાન્યુઆરી ૨૦૧૬થી જુલાઇ, ૨૦૧૭ સુધીનું એરિયર્સ પાંચ હપામાં હવે પછી નિર્ણય લઇને ચૂકવાશે.